Mehsana News: કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંસ્થાને હવે નવા પ્રમુખ મળ્યા છે. પૂર્વ IAS અધિકારી અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂકેલા એમ. એસ. પટેલ (મહેન્દ્ર પટેલ) હવે ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ બન્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કડવા પાટીદાર સમાજનું મોટું આસ્થાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ઉમિયા ધામ ખાતે આજે હોદ્દેદારોની એક ખાસ કારોબારી સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં સંસ્થાના નવા માળખા અને આગામી વહીવટ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે સર્વાનુમતે નવા પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી દસક્રોઈ બેઠકના ધારાસભ્ય બાબુ પટેલ આ પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, જેમના સ્થાને હવે વહીવટી ક્ષેત્રના નિષ્ણાત એવા એમ. એસ. પટેલને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
આ મહત્વની બેઠકમાં પ્રમુખ પદ ઉપરાંત અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં ખોરજના બાબુભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે સંસ્થાના બીજા ઉપપ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીને ફરીથી રીપીટ કરવામાં આવ્યા છે. આ સાથે જ મુકેશ એ. પટેલની માનદ મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. કારોબારી સભામાં લેવાયેલા આ નિર્ણયો બાદ હવે સંસ્થાની નવી ટીમ કાર્યરત થશે અને આગામી સમયમાં વહીવટી કામગીરી આગળ ધપાવશે.
નવા પ્રમુખ બનેલા એમ. એસ. પટેલ (મહેન્દ્ર પટેલ) વહીવટી સેવાનો લાંબો અનુભવ ધરાવે છે. તેઓ પૂર્વ IAS અધિકારી રહી ચૂક્યા હોવાથી સરકારી તંત્ર અને વહીવટી કામગીરી પર તેમની મજબૂત પકડ છે. આ ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ સક્રિય રહી ચૂક્યા છે. તેમના આ બહોળા અનુભવનો લાભ ઉમિયા માતાજી સંસ્થાનના વહીવટને વધુ સુદ્રઢ બનાવવામાં મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કડવા પાટીદાર સમાજની આ પ્રતિષ્ઠિત સંસ્થાના તમામ નિર્ણયો હવે નવી ટીમની આગેવાની હેઠળ લેવામાં આવશે.
