Tana Riri Mahotsav 2026 Vadnagar: ઐતિહાસિક નગરી વડનગર ખાતે ગુજરાતની અમર સંગીત બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં આગામી 19 અને 20 નવેમ્બર, 2026ના રોજ બે દિવસીય ‘તાના-રીરી મહોત્સવ’ યોજાવા જઈ રહ્યો છે. વડનગરના ઘાસકોર દરવાજા પાસે આવેલા તાના-રીરી સમાધિ સ્થળ ખાતે બંને દિવસે સાંજે 6:30 કલાકે આ ભવ્ય સંગીત સમારોહનો પ્રારંભ થશે, જેમાં દેશભરના દિગ્ગજ કલાકારો પોતાના સૂર રેલાવશે.
વર્ષ 2026ના ‘તાના-રીરી એવોર્ડ’ની જાહેરાત
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ સંગીત ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન છે. આ વર્ષે 2026 માટે હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીની પ્રતિષ્ઠિત ‘તાના-રીરી એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે. મહોત્સવ દરમિયાન તેમને આ એવોર્ડ એનાયત કરીને વિશેષ સન્માનિત કરવામાં આવશે.
પ્રથમ દિવસે (19 નવેમ્બર) શાસ્ત્રીય અને લોકસંગીતનો સંગમ
મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે ગુરુવારે શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકકલાની અદભૂત રમઝટ જામશે.
શાસ્ત્રીય ગાયન: કાર્યક્રમની શરૂઆત સૂર્યા ગાયત્રીના મધુર કંઠે શાસ્ત્રીય ગાયનથી થશે.
જુગલબંધી: ત્યારબાદ પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ અને વિદ્વાન કુમારેશ રાજગોપાલન પોતાની શાસ્ત્રીય જુગલબંધીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
લોકકલાની ઝલક: પ્રથમ દિવસના અંતિમ ચરણમાં હાર્દિક દવે લોકસંગીતની વિવિધ કૃતિઓ રજૂ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરશે.
બીજા દિવસે (20 નવેમ્બર) દિગ્ગજ કલાકારોની વિશેષ પ્રસ્તુતિ
શુક્રવારે મહોત્સવના બીજા અને અંતિમ દિવસે પણ સંગીત રસિકોને અવિસ્મરણીય અનુભવ મળશે. આ દિવસે પંડિત જયતીર્થ મેવુન્ડી પોતાના શાસ્ત્રીય ગાયનથી સાંજને યાદગાર બનાવશે. ત્યારબાદ પંડિત પૂર્વાંયન ચેટર્જી અને તેમના વૃંદ દ્વારા અદભૂત શાસ્ત્રીય વાદન રજૂ કરાશે, જ્યારે ભૌમિક શાહ લોકકલા ક્ષેત્રે પોતાની વિશિષ્ટ પ્રસ્તુતિથી પ્રેક્ષકોના દિલ જીતશે.
તાના-રીરીનો ગૌરવવંતો ઇતિહાસ અને મહત્વ
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર કલા અને સંસ્કૃતિનું અનોખું સંગમસ્થાન છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ તાના અને રીરીએ સંગીતની સાધના થકી રાગો પર અદભૂત સિદ્ધિ મેળવી હતી. ઇતિહાસ મુજબ, સંગીત સમ્રાટ તાનસેનને રાગ દીપક ગાયા બાદ શરીરમાં અસહ્ય બળતરા ઉપડી હતી, ત્યારે તાના-રીરીએ વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે 'રાગ મલ્હાર' ગાઈને તાનસેનના શરીરનો દાહ શાંત કર્યો હતો. આ બંને બહેનોના આત્મબલિદાન અને સંગીત પ્રત્યેના સમર્પણને જીવંત રાખવા દર વર્ષે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સંગીત નાટક અકાદમી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહોત્સવ યોજાય છે.
સંગીત પ્રેમીઓને જાહેર નિમંત્રણ
આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સાક્ષી બનવા માટે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતની સંગીત પ્રેમી જનતાને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
