PM Modi Birthday: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં 17 સપ્ટેમ્બર, 1950ના રોજ દામોદરદાસ મોદી અને હીરાબા મોદીના ત્રીજા પુત્ર તરીકે નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. જે હાલ દેશના વડાપ્રધાન છે. આ સાથે જ વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાં નરેન્દ્ર મોદીનું નામ આવે છે.
નરેન્દ્ર મોદીએ 17 વર્ષની વયે ઘર છોડ્યું હતુ. જે બાદ 2 વર્ષ સુધી તેઓ ભારત ભ્રમણ પર નીકળી ગયા હતા. ગુજરાત પરત ફરીને નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા અને રાજનીતિ સાથે સંકળાયા.
1972માં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ માટે પ્રચારક તરીકે કામ શરૂ કરનાર નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને ભારતના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેવા સુધીની સફર ખેડી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય સફળ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. જો કે તેમના પરિવારના સભ્યો અને અંગત જીવન વિશે ભાગ્યે જ કોઈ વધારે જાણતું હશે.
આમ પણ નરેન્દ્ર મોદી દેશની 1.40 કરોડ જનતાને જ પોતાના પરિવાર માને છે અને તેઓ પોતાની અનેક રેલીઓમાં આવું કહી પણ ચૂક્યા છે. એવામાં 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિનને ધ્યાનમાં રાખીને આજે અમે તેમના પરિવારના સભ્યોનો પરિચય કરાવીએ. તો ચાલો નરેન્દ્ર મોદીના પરિવારમાં કોણ-કોણ છે?

દામોદરદાસ મૂલચંદ મોદી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનું પુરું નામ દામોદરદાસ મૂલચંદ મોદી છે. 1989માં જ નરેન્દ્ર મોદીના પિતાનું અવસાન થયું હતુ.
હીરાબા મોદી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું નામ હીરાબેન મોદીછે. જેમને મોટાભાગના લોકો હીરાબાના નામે ઓળખે છે. નરેન્દ્ર મોદીને તેમની માતા પ્રત્યે ખાસ લગાવ હતો. આથી જ તેઓ વડાપ્રધાન બનીને દિલ્હી ગયા પછી પણ માતા હીરાબાના આશીર્વાદ મેળવવા અવારનવાર ગાંધીનગર અચૂક આવતા જ હતા. જો કે ગત 30 ડિસેમ્બર, 2022ના રોજ હીરાબાનું પણ અવસાન થઈ ગયું હતુ.
સોમાભાઈ મોદી: દામોદરદાસ મોદી અને હીરાબેનના 6 સંતાનો છે. જે પૈકી સૌથી મોટા પુત્રનું નામ સોમાભાઈ મોદી છે. જેઓ સામાજિક કાર્યકર છે અને વડનગરમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે.
અમૃત મોદી: નરેન્દ્ર મોદીના બીજા નંબરના સૌથી મોટાભાઈ અમૃત મોદી ખાનગી કંપનીમાં કામ કરતા હતા. હાલ તેઓ નિવૃત જીવન ગાળી રહ્યા છે.
નરેન્દ્ર મોદી: દામોદરદાસ અને હીરાબાના ત્રીજા સંતાન તરીકે નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. જેઓ 2014થી દેશના વડાપ્રધાન છે.
પ્રહલાદ મોદી: નરેન્દ્ર મોદીના નાના ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. જેઓ ગુજરાત ફેર પ્રાઈઝ શૉપ્સ એન્ડ કેરોસિન લાઈસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ છે.
વસંતીબેન મોદી: નરેન્દ્ર મોદીને એકમાત્ર બહેન છે, જેમનું નામ વસંતીબેન છે. વસંતીબેન ગૃહિણી છે અને તેમના પતિ LICમાં કામ કરતા હતા.
પંકજ મોદી: નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈનું નામ પંકજ મોદી છે. જેઓ માહિતી વિભાગમાં ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત થઈ ચૂક્યા છે. પંકજ મોદીના પત્નીનું નામ સીતાબેન છે. અંતિમ સમયે હીરાબા પંકજ મોદીના ઘરે જ રહેતા હતા.
