PM Narendra Modi 76th birthday: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે તેમની જન્મભૂમિ વડનગર ખાતે બે દિવસીય જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીના જાહેરજીવનમાં 25 વર્ષની સેવા અને સમર્પણ યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંજે ઘરે-ઘરે પ્રગટાવાશે આશીર્વાદના દીવા
આજે PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ 17 સપ્ટેમ્બરની સાંજે 7 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન દરેક નાગરિકને પોતાના ઘરે 'એક દીવડો' પ્રગટાવી શુભેચ્છા વ્યક્ત કરવા અપીલ કરવામાં આવી છે. આમ, આજે ઘરે-ઘરે દીવા પ્રગટાવાશે અને સમગ્ર રાજ્યમાં નવરાત્રિ પહેલાં જ દિવાળી જેવો પાવન માહોલ સર્જાયો છે.
વડનગરથી બાઈક સેવા સંકલ્પ યાત્રાનો પ્રારંભ
વડાપ્રધાન મોદીના જન્મદિવસે સવારે 9:30 વાગ્યે તેમની જન્મભૂમિ વડનગર અને કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી એકસાથે 'સેવા સંકલ્પ' બાઈક યાત્રાનો પ્રારંભ થશે. વડનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. જ્યારે વારાણસીથી કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાઈક યાત્રાને લીલી ઝંડી બતાવશે.
સેવા સંકલ્પ બાઈક યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડામાંથી પસાર થઈને અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે. બંને દિશામાંથી મળીને કુલ 1,000 યુવાનો 250-250 બાઈક સાથે આ યાત્રામાં સહભાગી થશે. આ યાત્રા 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીને જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના દિવસે સંપન્ન થશે.
કાશી વિશ્વનાથ,હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક
ગુજરાતના સોમનાથ, શામળાજી, પાવાગઢ અને ઉનાઈ એમ ચારેય ઝોન માંથી નીકળેલી ઉપયાત્રા માર્ગમાં આવતી નર્મદા, સાબરમતી, મહી, તાપી, બનાસ સહિતની પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્ર કરીને વડનગર પહોંચી હતી. હાટકેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કર્યા બાદ આ જળકળશ વારાણસી લઈ જવામાં આવશે, જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે.
કાંકરિયા તળાવ ખાતે 1.25 લાખ દીવડા પ્રગટાવાશે
અમદાવાદ શહેરમાં પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે વિશેષ આરતી અને કાંકરિયા લેકફ્ર્ન્ટ ખાતે 3 કિલોમીટરની ત્રિજ્યામાં 1.25 લાખ દીવડા પ્રગટાવી 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમનું આયોજન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 6:30 વાગ્યાની આસપાસ જગન્નાથ મંદિરે આરતી કર્યા બાદ કાંકરિયા લેકફ્ર્ન્ટ ખાતે દીપોત્સવ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.
