Mehsana Rain: નૈઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે, તેમ-તેમ રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે પણ રાજ્યના 157 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે.
વિજાપુરમાં લોકો ભીંજાવા નીકળ્યા, ચક્કર અને ખત્રીકૂવામાં પાણી ભરાયા
આજે વહેલી સવારથી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, ત્યારે આજે બપોરે 4 વાગ્યા બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને જોત-જોતામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
સરકારી આંકડા અનુસાર, સાંજે 4 થી 8 વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન વિજાપુર તાલુકામાં ધોધમાર 55 મિ.મી (2.9 ઈંચ) જેટલો વરસાદ ખાબક્યો છે. ચાર કલાક સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર એવા વિજાપુર ચક્કર અને ખત્રીકૂવામાં રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક વાહનો બંધ પડી જતાં ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા. આટલું જ નહીં, ભારે વરસાદના કારણે લારી-ગલ્લા તેમજ ખુલ્લામાં પાથરણા પાથરીને ધંધો કરતાં વેપારીઓને પરાણે પોતાના ધંધા બંધ કરવા પડ્યા હતા.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું
જો અમદાવાદની વાત કરીએ કરીએ તો, આજે શહેરમાં દિવસભર અસહ્ય બફારો રહ્યા બાદ સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાણીપ, વાડજ, ઘાટલોડિયા, મેમનગર, વસ્ત્રાપુર, એસ.જી. હાઈવે, થલતેજ, ગુરુકુળ, નારણપુરા અને સોલા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી લોકોને બફારા અને ગરમીમાંથી રાહત મળી છે. જો કે કામ-ધંધાથી ઘરે જઈ રહેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
