Mehsana: દિવાળીએ નીતિન પટેલ અને કડી MLA રાજેન્દ્ર ચાવડા વચ્ચે તણખાં, સ્નેહમિલનને લીધે અણબનાવથી પક્ષમાં મૂંઝવણ

આ બંને નેતાઓએ નવા વર્ષે એક જ દિવસે અને નજીકના સમયગાળામાં અલગ-અલગ સ્નેહમિલન સમારોહનું આયોજન કરતાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો ભારે મૂંઝવણમાં મુકાયા છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 22 Oct 2025 11:22 AM (IST)Updated: Wed, 22 Oct 2025 11:22 AM (IST)
mehsana-nitin-patel-and-kadi-mla-rajendra-chavda-clash-over-friendship-causing-party-confusion-this-diwali
HIGHLIGHTS
  • નીતિન પટેલે કડી એ.પી.એમ.સી. વતી નવા વર્ષના પ્રથમ દિવસે સવારે 8થી 11 વાગ્યા સુધી સ્નેહમિલન સમારોહ અને ભોજન સમારંભનું આયોજન કર્યું છે.
  • ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ સવારે 11 વાગ્યે અન્ય એક સ્થળે સમાન પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

Mehsana News: દિવાળીના પાવન પર્વ પર ગુજરાત ભાજપના બે મહત્ત્વના નેતાઓ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કડીના વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા વચ્ચે અણબનાવના સ્પષ્ટ સંકેતો જોવા મળ્યા છે. આ બંને નેતાઓએ નવા વર્ષે એક જ દિવસે અને નજીકના સમયગાળામાં અલગ-અલગ સ્નેહમિલન સમારોહનું આયોજન કરતાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો ભારે મૂંઝવણમાં મુકાયા છે.

માહિતી મુજબ, નીતિન પટેલે કડી એ.પી.એમ.સી. (માર્કેટ યાર્ડ) વતી નવા વર્ષના પ્રથમ દિવસે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી સ્નેહમિલન સમારોહ અને ભોજન સમારંભનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ પૂર્ણ થાય કે તરત જ, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ સવારે 11 વાગ્યે અન્ય એક સ્થળે સમાન પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

આ સ્થિતિને કારણે પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ધર્મસંકટ સર્જાયું છે. ધારાસભ્ય ચાવડાએ કડી તાલુકા, શહેર, જોટાણા તાલુકા અને પાલિકાના પક્ષના ચૂંટાયેલા તેમજ સંગઠનના હોદ્દેદારોને આમંત્રણ મોકલ્યું છે, જ્યારે માર્કેટ યાર્ડ તરફથી પણ તેઓને આમંત્રણ મળ્યું છે. આ સંજોગોમાં કયા નેતાના કાર્યક્રમમાં હાજરી આપવી અને કોના સાથે ભોજન લેવું તે અંગે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

નોંધનીય છે કે આ અગાઉ નીતિન પટેલને કડીના દિવંગત પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકી સાથે પણ અણબનાવ હતો. હવે તેમના સ્થાને નવા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા આવ્યા છે, ત્યારે તેમની સાથે પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રાજકીય રીતે સખ્ય ન હોવાની સ્થિતિ સામે આવી છે. ભૂતકાળમાં નીતિન પટેલે કડીને 'કોઇની નજર લાગી છે' તેવું નિવેદન આપ્યું હતું. આ ઘટનાઓ ભાજપના આંતરિક રાજકારણમાં સત્તા અને વર્ચસ્વની લડાઈ તરફ ઈશારો કરે છે.