મહેસાણા.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલીપુર ગામના આર્મી જવાનનો મૃતદેહ 5 દિવસની શોધખોળના અંતે સિક્કિમની તીસ્તા નદીમાંથી મળી આવતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડનગર તાલુકાના સુલીપુર ગામના રાયસંગજી ઠાકોર સિક્કિમ ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. ગત શનિવારે આર્મીની ટ્રક લઈને તેઓ ગંગટોક તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મંગન જિલ્લાની તીસ્તા નદીમાં આર્મીની ટ્રક પલટી મારી ગઈ હતી. જે બાદ રાયસંગજી ઠાકોર લાપતા બન્યા હતા. જેમને શોધવા માટે છેલ્લા 5 દિવસથી તીસ્તા નદીમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતુ. જો કે આખરે આજે તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
રાયસંગજી ઠાકોરના ગુમ થયા બાદ તેમના પરિવારજનોએ અન્નજળનો ત્યાગ કર્યો હતો. જો કે આજે રાયસંગજીનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હાલતો આર્મી જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જે બાદ આવતીકાલ સુધીમાં તેમના નશ્વરદેહને વતનમાં લાવવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે, મૃતક રાયસંગજીની 2017માં આર્મીમાં પસંદગી થઈ હતી. જે બાદ તેમને પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે મળ્યું હતુ. જ્યાં ફરજ બજાવ્યા બાદ તેમને સિક્કિમમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી. જ્યાં તેઓ યુનિટ-517, બટાલિયન ASCમાં ફરજ બજાવતા હતા. રાયસંગજીએ ગત 1 એપ્રિલના રોજ સવારે તેમના પત્ની સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમના મોત બાદ 8 માસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.
