Mehsana News: પ્રતિવર્ષની જેમ આ વર્ષે ઊંઝા ખાતે ઉમિયા માતાજીની નગરયાત્રા આગામી 23મીના રોજ સવારે 8 કલાકે ઉમિયા માતાજી મંદિરેથી પ્રસ્થાન કરી શહેરનો જુદા-જુદા રૂટ પર ફરી નગરજનોને દર્શનનો લ્હાવો આપશે. નગરયાત્રાની તૈયારી પુરજોશમાં કરાઈ રહી છે.
દર વરસે ઊંઝા ખાતે પરંપરાગતરીતે ઉમિયા માતાજીની નગરયાત્રા વૈશાખ સુદ પૂનમના રોજ નીકળે છે. ઓણસાલ ઉમિયા માતાજીની ભવ્ય નગરયાત્રા વૈશાખસ સુદ પૂનમના તા.૨૩/૦૫/ ૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૦૮-૧૫ કલાકે શ્રી ઉમિયા માતાજીના મંદિરેથી વાજતે ગાજતે માઈભક્તોના ઉમિયા માતાજીના જયઘોષ સાથે નીકળશે. માતાજીની નગરયાત્રાની તડામાર તૈયારી ભાવિકજનો દ્વારા કરાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, નગરયાત્રામાં ઊંઝાનગર તથા માર્કેટયાર્ડના તમામ વેપારીઓ, આજુબાજુના ગામના યુવક મંડળો, માઈ મંડળો, મહિલા ભક્ત મંડળો સર્વધર્મ સમભાવથી ભક્તિભાવપૂર્વક નગરયાત્રામાં જોડાય છે. મા ઉમિયાની નગરયાત્રાનો રૂટ ઉમિયા માતાજીના નિજ મંદિરથી પ્રસ્થાન કરી અંદાજિત પાંચ કિલોમીટર પરિભ્રમણ કરી નિજ મંદિર પરત ફરશે. આ શોભાયાત્રા શહેરના લાલ દરવાજા, વડેચી માતા, મોખાત પોળ, બહાર માટ, ખજૂરીપોળ, વારાહી માતા, ચબૂતરા, કોટકૂવા, દરજી ચકલો, છીંપાવાડ, સહિતના સ્થળેથી થઇ માતાજીના મંદિરે પહોંચશે.
