Mehsana: મહેસાણામાં પિતાના ઘરે રહેતી યુવતીએ અમદાવાદમાં રહેતા તેના પતિ, સાસુ-સસરા અને નણંદ તેમજ દીયર વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણાની બાલાજી રેસિડન્સીમાં રહેતા સુરેશ રાઠોડની દીકરી હીનાના આજથી બે વર્ષ અગાઉ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા બિપીન પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ 3 મહિના સુધી સાસરિયાઓએ હીનાને સારી રીતે રાખી હતી. જે બાદ કામકાજ બાબતે સતત હીનાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
જ્યારે ફરિયાદી હીનાને 5 મહિનાનો ગર્ભ હતો ત્યારે પતિએ પોતાને કાર જોઈતી હોવાથી 12 લાખ રૂપિયાનું દહેજ માંગ્યું હતુ. આટલું જ નહીં, 'તું બહું જાડી હોવાથી ઘરમાં વહુ તરીકે શોભતી નથી' કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતુ. જેથી હીના ગર્ભવતી હોવા છતાં પોતાના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી.
જ્યાં પુરા મહિને ફરિયાદીએ પુત્રને જન્મ આપ્યો હતો, જે હાલ 4 વર્ષનો થઈ ગયો છે. આમ છતાં હજુ સુધી હીનાના પતિ કે અન્ય સાસરિયા દ્વારા તેમની કોઈ દરકાર કરવામાં આવી નથી. આથી મહિલાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં પતિ બિપીન પરમાર, સાસુ-સસરા ધનજીભાઈ-કાંતાબેન પરમાર, દીયર દિપક અને નણંદ મીના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
