Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુંસા ગામમાં જમીનના પ્લોટના વિવાદ અને નાણાંની લેતી-દેતી મામલે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ધારિયા વડે એક યુવકનો અંગુઠો કાપી નાંખવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે બન્ને જૂથોએ સામ-સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં મહેન્દ્ર દેવીપૂજકના જણાવ્યા પ્રમાણે, તેમણે ખણુંસા ગામના અનિલ વાઘેલા પાસેથી રૂ. 50 હજાર ઉછીના લીધા હતા. જો કે તેઓ રૂપિયા આપી શકવામાં અસમર્થ રહેતા અનિલભાઈ તેમના જમીનના પ્લોટ પર મકાન બાંધાવાનું શરૂ કરી દીધુ હતુ.
જેના વિવાદમાં કેટલાક ઈસમોએ ધારિયા, દંડા અને લોખંડની પાઈપ વડે અનિલભાઈ પર હિચકારો હુમલો કર્યો હતો. આ હુમલામાં ધારિયું વાગતા મહેન્દ્રભાઈનો જમણા હાથનો અંગુઠો કપાઈ ગયો હતો. જ્યારે મહેન્દ્રભાઈના પરિવારની મહિલા સહિત અન્ય 3 સભ્યોને ગંભીર ઈજા પહોંચી છે. આ મામલે મહેન્દ્રભાઈએ જીતેન્દ્ર દેવીપૂજાક, અનિલ દેવીપૂજક, ઘનશ્યામ દેવીપૂજક અને કસ્તુરભાઈ દેવીપૂજક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સામા પક્ષે અનિલ વાઘેલાએ મહેન્દ્ર વાઘેલા સહિત ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, તેમણે 3 વર્ષ પહેલા મહેન્દ્રભાઈ પાસેથી વેચાણથી પ્લોટ લીધો હતો. જેના પર બાંધકામ શરૂ કરતાં મહેન્દ્ર વાઘેલા અને તેમના સાગરિતોએ કામ બંધ કરાવીને લોખંડની પાઈપો, ધોકા અને ધારિયા વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો વિજાપુર પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
