Mehsana: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય તેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત હોદ્દેદારો એક પછી એક કેસરિયા કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જે બાદ ગઈકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલનું કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ. હવે આગામી 12 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે.
હકીકતમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યક્રમ યોજવાનો છે. આ કાર્યક્રમમાં જ સી.આર. પાટીલ કેસરિયો ખેસ પહેરાવીને સી.જે. ચાવડાનું ભાજપમાં સ્વાગત કરશે. જે બાદ સી.જે. ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે.
એવું કહેવાય છે કે, આગામી લોકસભાની ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. આથી વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સી.જે. ચાવડાને ભાજપ ફરીથી આજ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકારમાં ડેપ્યૂટી કલેક્ટર પદેથી રાજીનામું આપીને રાજકારણમાં આવેલા સી.જે. ચાવડાએ ગત 19 જાન્યુઆરીના રોજ કોંગ્રેસને રામ-રામ કરી દીધા હતા. પોતાના કોંગ્રેસ છોડવા અંગે સી.જે.ચાવડાએ જણાવ્યું કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને વખોડતા જે નિવેદનો પાર્ટીના નેતાઓ કરી રહ્યાં છે, તેનાથી દેશહિતને જ નુક્સાન થઈ રહ્યું છે. આ સિવાય મારે કોંગ્રેસમાં કોઈની સામે વ્યક્તિગત વાંધો નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
