Mehsana: સતલાસણામાં બેકાબુ કારે 4 લોકોને અડફેટમાં લીધા, ટાયર ફરી વળતા માતા સહિત બે સંતાનોના મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 05 Sep 2023 09:15 PM (IST)Updated: Tue, 05 Sep 2023 10:05 PM (IST)
mehsana-news-car-rammed-into-house-3-killed-at-satlasana

Mehsana: મહેસાણા જિલ્લાના સતલાસણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ધરોઈ ડેમ નજીક છાપરામાં બેકાબુ કાર ઘુસી ગઈ હતી અને 4 લોકોને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં માતા અને બે સંતાનોના મોત નીપજ્યાં છે, જ્યારે એક બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજકોટના ગીતાબેન વાઘેલા પોતાના પુત્ર આકાશ, પુત્રી કરિશ્મા અને કિંજલ સાથે ધરોઈ ડેમ નજીક છાપરાની દુકાનમાં માછલીનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન આજે I-10 કારના ચાલકે પોતાનું વાહન બેદરાકારી પૂર્વક હંકારીને માછલી વેચતા ગીતાબેનના છાપરામાં ઘુસાડી દીધું હતુ.

જેમાં કારના ટાયર ગીતાબેન તેમજ તેમના સંતાનો પર ફરી વળ્યા હતા. આ બાબતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત ગીતાબેન સહિત તેમના ત્રણેય સંતાનોને સારવાર અર્થે 108 મારફતે સતલાસણા અને વડનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગીતાબેન, આકાશ અને કરિશ્માના મોત નીપજ્યા હતા, જ્યારે કિંજલ હાલ સારવાર હેઠળ હોવાનું માલૂમ પડ્યું છે.

હાલ તો મૃતક ગીતાબેનના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કારચાલક મેમણ લુકમાન ફઝલભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.