Mehsana: સુરતની લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત થયા બાદ બાકી બચેલી 25 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પ્રચારના ભાગ રૂપે ઉમેદવારો મંદિર, મસ્જિદ બાદ હવે ભૂવાજીના શરણે પણ જવા લાગ્યા છે. થોડા સમય પહેલા મહેસાણા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીના શરણે ગયા હતા. જે બાદ હવે ભાજપના ઉમેદવારો ભુવાજીના શરણે જીતનો આશીર્વાદ મેળવવા પહોંચ્યા છે.
હકીકતમાં મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલ તેમજ વિજાપુર વિધાનસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર સી.જે. ચાવડા આજે સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ધૂણતા-ધૂણતા ભૂવાજીએ બન્ને ઉમેદવારોના જીતની ભવિષ્યવાણી કરી હતી. આ સાથે જ ભાજપ 400 બેઠકો જીતશે તેવી ગેરંટી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપના લોકસભા ઉમેદવાર હરી પટેલ અગાઉ પણ મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં આયોજિત ચામુંડા માતાની રમેલમાં પહોંચ્યા હતા. જ્યા તેમણે ભૂવાજી પર ફૂલોનો વરસાદ કરીને જીતના આશીર્વાદ મેળવ્યા હતા.
થોડા દિવસ પહેલા બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભૂવાજીના આશીર્વાદ લેતા પોતાના વતી પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી.
