મહેસાણામાં ગેંગવોર જેવો માહોલ: નાગલપુર ચોકડી પાસે કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલો; 2 રાઉન્ડ ફાયરિંગ થયું

ફાયરિંગ કરતા પહેલા આરોપીઓએ કારથી ભાવેશની કારને ત્રણ જોરદાર ટક્કર મારી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 31 Aug 2026 08:12 AM (IST)Updated: Mon, 31 Aug 2026 08:12 AM (IST)
mehsana-firing-incident-over-gangwar-bhavesh-zhiliya-injured-police-probe
Mehsana Firing Incident

Mehsana Firing Incident: મહેસાણાની નાગલપુર ચોકડી પાસે રવિવારે રાત્રે કુખ્યાત ગુનેગાર ભાવેશ ઝીલિયા પર ફિલ્મી સ્ટાઈલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભાવેશ જ્યારે પોતાના મિત્રો સાથે ફોર્ચ્યુનર કારમાં બેઠો હતો, ત્યારે રોંગ સાઈડથી આવેલી સ્કોર્પિયો કારે હુમલો કરીને ફાયરિંગ કર્યું હતું. આ ચકચારી ઘટના મામલે પોલીસ તપાસ કરી રહી છે.

સ્કોર્પિયો કારથી મારી ધડાધડ ત્રણ ટક્કર

મળતી વિગતો અનુસાર, ભાવેશ ઝીલિયા રવિવારે રાત્રે નાગલપુર ચોકડી પાસે ફોર્ચ્યુનર કારમાં તેના મિત્રો સાથે હાજર હતો. તે દરમિયાન અચાનક જ રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે અન્ય એક સ્કોર્પિયો કાર ધસી આવી હતી. સ્કોર્પિયો કારમાં સવાર અજાણ્યા શખ્સોએ ભાવેશની ફોર્ચ્યુનર કારને એક પછી એક એમ ધડાધડ ત્રણ જોરદાર ટક્કર મારી હતી.

બે રાઉન્ડ ફાયરિંગ થયું, ભાવેશ ઈજાગ્રસ્ત

અકસ્માત સર્જ્યા બાદ તુરંત જ હુમલાખોરોએ ફોર્ચ્યુનર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હિંસક હુમલામાં ભાવેશ ઝીલિયાને હાથના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી છે. ફાયરિંગની ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.

જીવતા અને મિસફાયર થયેલા રાઉન્ડ મળ્યા

પોલીસને ઘટનાસ્થળ પરથી તપાસ દરમિયાન બે રાઉન્ડ ફાયર થયા હોવાના પુરાવા મળ્યા છે, જેમાં એક ફાયર થયેલ રાઉન્ડ અને બીજું મિસફાયર થયેલ રાઉન્ડ મળી આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની મદદ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલો એકતરફી થયો છે કે બંને પક્ષે સામસામે ફાયરિંગ થયું છે, તે દિશામાં પણ પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે.

સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર વચ્ચે સર્જાયેલા અકસ્માતનો આખો બનાવ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે. આ અકસ્માત ઉપરાંત ફાયરિંગની ઘટના આસપાસના CCTVમાં કેદ થઈ છે કે નહીં તેની ચકાસણી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે ઈજાગ્રસ્ત ભાવેશની પૂછપરછ કરી અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

કોણ છે ભાવેશ ઝીલિયા અને તેનો ઈતિહાસ?

ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયા ગુનાખોરીની દુનિયાનું કુખ્યાત નામ છે. તેનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ચોંકાવનારો છે. ભાવેશ ઝીલિયાએ વર્ષ 2016માં પાટણના એક જાણીતા ડોક્ટરનું અપહરણ કરીને ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે અમદાવાદમાં 'મસ્તાની ગેંગ' બનાવી હતી, જેના સહારે તે વસુલાત અને લોકોને ધાક-ધમકી આપવાના ગેરકાયદેસર કારનામા કરતો હતો.

છેલ્લા 11 વર્ષના ગાળામાં તેની સામે ખૂનની કોશિશ, ખંડણી, અપહરણ અને GUJCTOC જેવા ગંભીર પ્રકારના 20થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. અગાઉ માર્ચ, 2026 માં ઝીલિયા ગામમાં મંદિરના ફાળાને લઈને ભારે વિવાદ અને હિંસક અથડામણની ઘટના બની હતી, જેમાં ભાવેશના ઘર અને પોલીસવાન પર પણ હુમલો થયો હતો. આ ઘટના બાદ પ્રશાસને ગૌચરની જમીન પર કબજો કરીને બનાવેલાતેના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર ચલાવ્યું હતું.