મહેસાણાના વિજાપુરમાં નકલી નોટનું કૌભાંડ: HDFC બેંકના કેશ ડિપોઝીટ મશીનમાંથી 500ની 26 બોગસ નોટ મળી, 4 આરોપી ઝડપાયા

મહેસાણાના વિજાપુરમાં HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાંથી 500ના દરની 26 નકલી નોટ મળી આવી. ગૂગલ પરથી ડાઉનલોડ કરી કલર પ્રિન્ટરથી નોટ છાપનાર 4 આરોપીઓની વિજાપુર પોલીસે ધરપકડ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 21 Aug 2026 10:51 AM (IST)Updated: Fri, 21 Aug 2026 10:51 AM (IST)
mehsana-fake-currency-racket-vijapur-hdfc-bank-fake-notes-scam-arrest

Mehsana Fake Currency Racket: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આવેલી વિસનગર રોડ પર સ્થિત એચડીએફસી બેન્કની શાખામાં નકલી નોટો વટાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. બેન્કના કેશ ડિપોઝિટ મશીનમાંથી રુ.500ના દરની 26 નકલી નોટો મળી આવતાં વિજાપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત્ત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેન્કના મેનેજર સંદિપ ભટ્ટની ફરિચાદના આધારે પોલીસે આખી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. તેમજ ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

કેશ ડિપોઝિટ મશીનમાં પકડાઈ નકલી નોટો

મળતી માહિતી પ્રમાણે, વિજાપુરમાં એચડીએફસી બેન્કની શાખામાં ગઈ 14 ઓગસ્ટના રોજ ધ્રુવકુમાર ભરતભાઈ પટેલ નામનો યુવક પોતાની પત્નીના ખાતામા રુ.50 હજાર ( 500ના દરની 100 નોટો) જમા કરાવવા માટે મશીનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ખાતામાં માત્ર રુ.37 હજાર જમા કરાવવાનો મેસેજ આવતાં ધ્રુવકુમારે બેન્ક કર્મીનું ધ્યાન દોર્યું હતું. સાજે મશીન ખોલીને તપાસ કરતાં તેમાંથી રુ.500ના દરની 26 નકલી નોટો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે બેન્ક પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રુ.15 લાખના દેવામાં ઘડાયું કૌભાંડ

વીજાપુર પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ધ્રુવકુમારે તેના મામાના દીકરા ફેનીલ પટેલ પાસેથી રુ.1 લાખમાંથી 50 હજાર જમા કરાવવા આપ્યા હતા. ફેનીલને આ રુપિયા તેના મિત્ર અવિ ભાખરિયા પાસેથી મળ્યા હતા. અવિ ભાખરિયાને શેરબજાર અને વ્યાજવટાવમાં ભારે દેવું થઈ જતાં તેણે પોતાના દાદાનું ઘર ગીરવે મૂકીને 15 લાખ મેળવ્યા હતા.

નાણા ચૂકવણીમાં પૈસાની બચાવવાની લાલચે અવિના મિત્ર જય ગોસ્વામીએ નકલી નોટો ભેળવવાી યોજના બનાવી હતી જે માટે જ્ય તેના મિત્ર આદિલ કુંભાર પાસેથી રુ. 30 હજારની નકલી નોટો માત્ર રુ.7 હજારમાં જ લાવ્યો હતો. જય અને તેના સાથી રાધે પટેલે અસલી નોટોના બંડલમાં 26 નકલી નોટો ગોઠવી દીધી હતી.

ગુગલથી ફર્મો ડાઉનલોડ કરીને નોટ છાપી

એસપી દિનેશસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, વિસનગરના કાજીવાડામાં રહેતા આદિલ શકીલભાઈ કુંભારે વર્ષ 2025માં પોતાના લેપટોપમાં ગુગલ પરથી રુ.500ની નોટનો ફર્મો ડાઉનલોડ કર્યો હતો. કલરપ્રિન્ટની મદદ લઈને આશરે 1,25 લાખની નકલી નોટો છાપી દીધી હતી. ઘટના સામે આવ્યા બાદ આરોપીઓએ બાકીની નકલી નોટો રાજસ્થાન જઈને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસે તમામ આરોપીઓ આદિલ કુંભાર (નકલી નોટો છાપનાર માસ્ટર માઈન્ડ), અવિ પટેલ, રાધે પટેલ અને જૈમિન ઉર્ફે જય ગોસ્વામી વિરુદ્ધ રિમાન્ડ મેળવીને વધુની તપાસ હાથ ધરી છે.