Mehsana News: ગુજરાતમાં તાજેતરમાં જ પશુઓના આહારની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નવો કાયદો ઘડાયો છે, જેને રાજ્યપાલશ્રી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ધી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ કરનારાઓને કડક ચેતવણી આપી હતી. ત્યારબાદ મળેલી ચોક્કસ રજૂઆતોના આધારે મંત્રીની સૂચનાથી મહેસાણા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મામલતદાર (કડી) અને પશુચિકિત્સા અધિકારીઓની સંયુક્ત ટીમોએ NCDEX ગ્રુપ સાથે સંકળાયેલા 4 મોટા વેરહાઉસો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
કડી તાલુકાના વિવિધ સ્થળોએથી 1.58 લાખ બોરી ખોળ સીલ કરાયો
ચેકિંગ દરમિયાન કડી તાલુકાના અલગ-અલગ વેરહાઉસમાંથી શંકાસ્પદ કપાસિયા ખોળનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો:
- અલદેસણ ખાતે ભવ્ય વેરહાઉસ: 14,125 બેગ
- શુભમ લોજીસ્ટિક વેરહાઉસ: 5,090 બેગ
- નગરાસણ (મહાશક્તિ/અમીના વેરહાઉસ): 10,796 બેગ
- લિંચ અંબાસણ રોડ (LTC વેરહાઉસ): 1,28,622 બેગ
તમામ સ્થળોએ મળીને કુલ 1,58,500થી વધુ બેગના જથ્થાને ગણતરી અને ચકાસણી માટે મોડી રાત્રે જ સીલ કરી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ લિંચ ખાતેના વેરહાઉસમાંથી રૂ. 25 કરોડની કિંમતનો આશરે 63.41 લાખ કિલોગ્રામ જથ્થો એક્સપાયર થયેલો અને ભેળસેળયુક્ત હોવાનું બહાર આવ્યું છે.
સેમ્પલ્સ લેબોરેટરીમાં રવાના, ફિઝિકલ વેરીફિકેશન હાથ ધરાયું
દરોડા દરમિયાન પશુપાલન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાસ્પદ ખોળના વૈજ્ઞાનિક પદ્ધતિથી લેબોરેટરી પરીક્ષણ માટે સેમ્પલો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર ફિઝિકલ સ્ટોક અને સ્ટોક રજિસ્ટરની વિગતો મેળવી બંધ સિલકનું ઝીણવટભર્યું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
ભેળસેળિયાઓ સામે કાયદાનું કડકમાં કડક શસ્ત્ર ઉગામાશે: જીતુભાઈ વાઘાણી
પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પશુપાલકોને શુદ્ધ અને સુરક્ષિત આહાર મળે તે સરકારની પ્રાથમિકતા છે. નવા કાયદા હેઠળ BIS અને ICARના ધોરણોનું ઉલ્લંઘન કરનારા અને અખાદ્ય આહાર વેચી પશુઓના સ્વાસ્થ્ય તેમજ પશુપાલકોની આજીવિકા સાથે ખિલવાડ કરનારા તત્વો સામે દંડ, લાયસન્સ રદ કરવા તેમજ જેલસજા સુધીના કડક પગલાં લેવાશે. આ કાયદાનો અમલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
