Mehsana News: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ સામે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓને પગલે ગુજરાતમાં ભારે વિરોધ ઉગ્ર બન્યો છે. પાટીદાર નેતાઓએ ઠાકરેની આકરી ટીકા કરી છે અને તેમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માગણી કરી છે.
પાટીદાર નેતાઓમાં રાજ ઠાકરે વિરુદ્ધ આક્રોશ
મહેસાણાથી સરદાર પટેલ ગ્રુપ (SPG)ના અધ્યક્ષ લાલજી પટેલે રાજ ઠાકરેના નિવેદનની સખત નિંદા કરી છે. મોરબીમાં પાટીદાર યુવા સંઘે મનોજ પનારાના નેતૃત્વમાં રાજ ઠાકરે વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધવા અને તેમને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. પાટીદાર નેતાઓએ રાજ ઠાકરેની માનસિકતાને હલકી ગણાવી છે અને કહ્યું છે કે તેઓ મરાઠીઓ સિવાય કોઈને પસંદ કરતા નથી.
લાલજી પટેલે કરી આકરી ટીકા
લાલજી પટેલે જણાવ્યું હતું કે રાજ ઠાકરે ગુજરાતીઓ પ્રત્યે વિરોધી માનસિકતા ધરાવે છે અને વારંવાર તેમનું અપમાન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત મહારાષ્ટ્રના હજારો લોકોને રોજગારી અને સન્માન આપે છે. તેમણે રાજ ઠાકરેને ચેતવણી આપી હતી કે જો તેઓ પોતાનું વર્તન નહીં સુધારે તો ગુજરાતમાં તેમના કોઈપણ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે. લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ ઠાકરેના અપમાનજનક સ્વભાવને કારણે જ તેઓ મહારાષ્ટ્રમાં સત્તાથી દૂર છે.
મનોજ પનારા દ્વારા દેશદ્રોહની માગણી
મોરબીમાં પાટીદાર નેતા મનોજ પનારાની આગેવાનીમાં પાટીદાર યુવા સંઘે રાજ ઠાકરે વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધવા અને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે એ-ડિવિઝન પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. મનોજ પનારાએ રાજ ઠાકરે પર આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓ રાજકીય રીતે નિષ્ફળ ગયા છે અને ફરીથી ચર્ચામાં આવવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. તેમણે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પરની ટીકાને વખોડી કાઢી હતી અને ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન
18 જુલાઈના રોજ એક જાહેર સભાને સંબોધતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ વિવાદાસ્પદ નિવેદન આપતા આરોપ મુક્યો હતો કે, કેટલાક ગુજરાતી વેપારીઓ અને રાજકારણીઓ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ પર મુંબઈને મહારાષ્ટ્રનો ભાગ ન બનાવવા અંગે પ્રથમ નિવેદન આપવાનો આરોપ મૂક્યો હતો અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર મરાઠી લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપવાનો આરોપ મૂક્યો હતો. રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે ઘણા વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે, જેના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે.
