Mehsana News: રાજ્યભરમાં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને દિપોત્સવી પર્વ દરમિયાન મીઠાઇ સહિતની સામગ્રીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણા શહેરના શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે 'આપણી દિવાળી, સૌની દિવાળી' કાર્યક્રમ હેઠળ 1000 કિલો મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ શહેરની સ્વચ્છતા જાળવતા સફાઈ કામદારો, સુરક્ષાકર્મીઓ, અનાથ આશ્રમના બાળકો અને ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદ પરિવારોને સન્માનિત કરવા અને તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચવા માટે હતી.
1000 કિલો જેટલી મીઠાઈનું વિતરણ
દિવાળીના પાવન પર્વ નિમિત્તે મહેસાણા શહેરના શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા એક ઉમદા પહેલ કરવામાં આવી છે. 'આપણી દિવાળી, સૌની દિવાળી' શીર્ષક હેઠળના એક કાર્યક્રમમાં, શહેરની સ્વચ્છતા જાળવતા સફાઈ કામદારોના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 1000 કિલો જેટલી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે, જે સફાઈકર્મીઓના નિસ્વાર્થ સેવાભાવને સન્માનિત કરવા માટેનો એક પ્રેરણાદાયક પ્રયાસ હતો.
સન્માન કરવાનો એક નાનકડો પ્રયાસ
ફાઉન્ડેશનના પરેશકુમાર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પહેલમાં ફક્ત સફાઈ કામદારો જ નહીં, પરંતુ સુરક્ષાકર્મીઓ, અનાથ આશ્રમના બાળકો અને ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદ પરિવારોને પણ આવરી લેવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સફાઈ કામદારો રાત-દિવસ અવિરત મહેનત કરીને મહેસાણા શહેરને સ્વચ્છ રાખે છે, જેના કારણે આપણે સૌ નિરોગી રહી શકીએ છીએ અને તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ. આ તેમનું સન્માન કરવાનો એક નાનકડો પ્રયાસ છે.
આ પણ વાંચો
અંતરિયાળ વિસ્તારોમાં પણ મીઠાઈ વિતરણ કરાશે
આ માનવતાવાદી કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહી, ફાઉન્ડેશનના કાર્યને બિરદાવ્યું હતું. શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશને ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ટૂંક સમયમાં જ સંસ્થા દ્વારા દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં પણ મીઠાઈ વિતરણ કરીને તહેવારની ખુશીઓને વિસ્તૃત કરવાની યોજના છે, જે સમાજના છેવાડાના લોકોને પણ તહેવારનો આનંદ આપી શકશે.