ગુજરાતમાં બૌદ્ધ પ્રવાસનને વેગ, બૌદ્ધ હેરિટેજ કાઉન્સિલની રચનાનો પ્રસ્તાવ

સંઘકાય ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં બૌદ્ધ વારસાના જતન અને વૈશ્વિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા 'બૌદ્ધ હેરિટેજ કાઉન્સિલ'નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 02 Oct 2026 09:08 PM (IST)Updated: Fri, 02 Oct 2026 09:08 PM (IST)
boost-to-buddhist-tourism-in-gujarat-proposal-to-set-up-a-buddhist-heritage-council

Gujarat Buddhist Tourism: બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, ધમ્મ અને શાંતિના પ્રસાર સાથે જોડાયેલી સંસ્થા સંઘકાય ફાઉન્ડેશને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યને વૈશ્વિક બૌદ્ધ પ્રવાસન નકશા પર અગ્રિમ સ્થાન અપાવવા માટે 'ગુજરાત બુદ્ધિસ્ટ હેરિટેજ એન્ડ ગ્લોબલ બુદ્ધિસ્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ' ની સ્થાપનાનો સત્તાવાર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી ૭મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદના સફળ સમાપન બાદ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય અને વિઝન

આ સૂચિત કાઉન્સિલનો મુખ્ય હેતુ ગુજરાતના પ્રાચીન બૌદ્ધ વારસાનું જતન અને સંવર્ધન કરવાનો છે. આ માધ્યમથી ગુજરાતને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ તીર્થયાત્રા, હેરિટેજ ટુરિઝમ, શૈક્ષણિક સંશોધન અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટેના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાની પરિકલ્પના કરવામાં આવી છે. આ પ્રસ્તાવ હાલ ગુજરાત સરકારની વિચારણા અને મંજૂરી હેઠળ છે.

ગુજરાતના સમૃદ્ધ બૌદ્ધ ઐતિહાસિક સ્થળો

ગુજરાતમાં ઇતિહાસના અનેક ધરોહર સમાયેલા છે, જે આ પ્રવાસન અભિયાનનું મુખ્ય કેન્દ્ર બનશે. આ સૂચિમાં નીચેના પ્રમુખ સ્થળોનો સમાવેશ થાય છે:

  • વડનગર અને દેવની મોરી (આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ આકર્ષણનું કેન્દ્ર)
  • વલ્લભીપુર, જૂનાગઢ અને ઉપરકોટ
  • ખંભાલીડા, સાના ગુફાઓ, તળાજા અને સિયોત

વૈશ્વિક સહયોગ માટે 'ગુજરાત ગ્લોબલ બુદ્ધિસ્ટ પાર્ટનરશિપ'

આ પહેલ અંતર્ગત બૌદ્ધ વારસો ધરાવતા પ્રમુખ દેશો સાથે વૈશ્વિક ભાગીદારી ઊભી કરવાની યોજના છે. જેમાં થાઈલેન્ડ, શ્રીલંકા, મ્યાનમાર, વિયેતનામ, કંબોડિયા, લાઓસ, ભૂતાન, નેપાળ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આ મંચ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સહયોગ અને શૈક્ષણિક ભાગીદારીને મજબૂત બનાવશે.

'માસ્ટર પ્લાન-2040' અને ટાસ્ક ફોર્સની રચના

ફાઉન્ડેશને 'ગુજરાત બુદ્ધિસ્ટ હેરિટેજ એન્ડ ગ્લોબલ બુદ્ધિસ્ટ ટુરિઝમ માસ્ટર પ્લાન-2040' તૈયાર કરવા માટે એક પ્રાથમિક ટાસ્ક ફોર્સની રચનાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ યોજનામાં નીચેની બાબતો આવરી લેવાશે.

હેરિટેજ-સાઇટ મેપિંગ અને પુરાતત્વીય સંરક્ષણ

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સર્કિટ અને માળખાગત સુવિધાઓનો વિકાસ

ડિજિટલ દસ્તાવેજીકરણ, કૌશલ્ય વિકાસ અને સમુદાય આધારિત પ્રવાસન

આર્થિક અને સ્થાનિક રોજગારીની તકો

સંઘકાય ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ ભંતે પ્રશીલ રત્ન ગૌતમે જણાવ્યું હતું કે આ પહેલથી રાજ્યમાં બૌદ્ધ શ્રદ્ધાળુઓ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ વધશે. જેનાથી સ્થાનિક સમુદાયો, એમએસએમઇ (MSME), હોસ્પિટાલિટી વ્યવસાયો અને પ્રવાસન ક્ષેત્રે રોજગારીની નવી તકોનું સર્જન થશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતમાં 'આંતરરાષ્ટ્રીય શાંતિ પદયાત્રા' યોજવામાં આવી હતી અને પ્રતિનિધિમંડળે વડોદરામાં પવિત્ર બુદ્ધ અવશેષોના દર્શન તેમજ ગાંધીનગર અને વડનગર જેવા સ્થળોના વિકાસ અંગે ગુજરાત સરકારના પ્રવાસન સચિવ ડૉ. કુલદીપ આર્ય અને ટુરિઝમ કોર્પોરેશનના એમડી ડૉ. વિપિન ગર્ગ સાથે મહત્વની ચર્ચાઓ કરી હતી.