મહેસાણા: બેચરાજીના ખેડૂત સાથે 17 લાખની સાયબર ઠગાઈ, 786 નંબરની નોટ સામે 66 લાખ આપવાની લાલચ; 6 લોકો સામે FIR

બેચરાજી પોલીસે આંતરરાજ્ય ગેંગના 6 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 08 Sep 2026 07:59 AM (IST)Updated: Tue, 08 Sep 2026 07:59 AM (IST)
becharaji-cyber-fraud-with-farmer-over-786-note-scam-fir-on-6-accused-mahesana
Symbolic Image

Becharaji Cyber Fraud: જૂના સિક્કા અને ચલણી નોટોના ખરીદ-વેચાણના નામે ચાલતા સાયબર ફ્રોડનો એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ખાંભેલ ગામના એક ખેડૂત સાથે 786 નંબરની ચલણી નોટોના બદલામાં લાખો રૂપિયા આપવાની લાલચ આપીને 17.01 લાખની સાયબર છેતરપિંડી થઈ છે. ખેડૂતની ફરિયાદના આધારે બેચરાજી પોલીસે આંતરરાજ્ય ગેંગના 6 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફેસબુક પર જાહેરાત જોઈ કર્યો હતો સંપર્ક

ખાંભેલ ગામના રહીશ રઈજીજીચુંથાજી ઠાકોરે સોશિયલ મીડિયા ફેસબુક પર 'સારીકા ગુપ્તા' નામના આઈડી પર એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં 786 સીરિયલ નંબરવાળી ₹500 ની ચલણી નોટના બદલામાં ₹25 લાખ આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. ખેડૂત રઈજીજી પાસે 786 સીરિયલ નંબર ધરાવતી ₹500 ની 2 નોટ અને ₹100 ની 1 નોટ ઉપલબ્ધ હતી.

ખેડૂતે જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો. ફોન પર વાત કરનાર અજાણ્યા શખ્સે પોતાની ઓળખ મહારાષ્ટ્રની 'ઓલ્ડ કોઈન કંપની' માંથી પ્રતાપસિંગ રાણા તરીકે આપી હતી. તેણેખેડૂતને આ ત્રણેય નોટોના બદલામાં અધધ ₹66 લાખ આપવાની લાલચ આપીને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ લીધા હતા.

બોગસ સર્ટિફિકેટ મોકલી રૂ.17 લાખ પડાવ્યા

ખેડૂતનો વિશ્વાસ જીત્યા બાદ, સાયબર ગઠિયાઓએ અલગ-અલગ બહાના હેઠળ નાણાં પડાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ રજિસ્ટ્રેશન ફી, GST, પ્રોસેસિંગ ટેક્સ સહિતના વિવિધ સરકારી ચાર્જના નામે ભોગ બનનાર ખેડૂત પાસે પૈસાની માંગણી કરી હતી. ખેડૂતને કોઈ શંકા ન જાય તે માટે આરોપીઓએ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના લોગોવાળા બનાવટી અને બોગસ સર્ટિફિકેટ મોકલી આપીને તેમને સતત ભ્રમમાં રાખ્યા હતા.

આરોપીઓએ જુદા-જુદા બેંક એકાઉન્ટમાં અલગ-અલગ તબક્કે ખેડૂત પાસેથી ₹17,01,900 જેટલી તોતિંગ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. આટલી મોટી રકમ જમા કરાવ્યા છતાં વાયદા મુજબ લાખો રૂપિયા પોતાના બેંક ખાતામાં જમા ન થતાં, આખરે ખેડૂત રઇજીજી ઠાકોરને પોતાની સાથે મોટો વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાની પાકી ખાતરી થઈ હતી.

પોલીસ અરજી બાદ 6 આરોપીઓ સામે ફરિયાદ

પોતે ઓનલાઈન સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું જણાતાં, ખેડૂતે સમય ગુમાવ્યા વિના સૌ પ્રથમ ભારત સરકારની રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન 1930 પર તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમણે તમામ બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો અને જરૂરી પુરાવા સાથે બેચરાજી પોલીસ સ્ટેશન પહોંચીને વિધિવત લેખિત ફરિયાદ દાખલ કરાવી હતી.

આ મામલે બેચરાજી પોલીસે ગુનો નોંધીને 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પ્રતાપસિંગ રાણા, સંજય શર્મા, રોહિત સિસોદિયા, લાલજીભાઈ પનીકા, મનિષકુમાર હરીસલાલ પટેલ અને નવલ ચંદેલ સામેલ છે. બેચરાજી પોલીસે આ તમામ 6 ઠગબાજ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને, તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરાવવા સહિતની આગળની સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.