મહેસાણાના પ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં દાનપેટીની ગણતરી શરૂ, 10 દિવસ સુધી ચાલશે કામગીરી

મહેસાણા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરની દાનપેટીમાં છેલ્લા અઢી વર્ષથી ભક્તોએ માતાજીને અર્પણ કરેલા દાનની જમા રકમની ગણતરી શરુ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 12:13 PM (IST)Updated: Wed, 28 Oct 2026 12:13 PM (IST)
bahucharaji-temple-donation-box-counting-begins-in-mehsana-process-to-last-10-dayss

Bahucharaji Temple Donation Counting: મહેસાણા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરની દાનપેટીમાં છેલ્લા અઢી વર્ષથી ભક્તોએ માતાજીને અર્પણ કરેલા દાનની જમા રકમની ગણતરી શરુ કરવામાં આવી છે. મંદિરની દાનપેટીમાં જમા થયેલી રકમની ગણતરી આગામી 10 દિવસ સુધી ચાલવાની છે. આ ગણતરી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે.

10 દિવસ ચાલશે દાનની ગણતરી

બહુચરાજી મંદિર ખાતે છેલ્લા અઢી વર્ષથી જમા રકમની ગણતરીની કામગીરી હાથ ધરાઈ છે. દાનની રકમ ગણતરી કરવા માટે મામલતદાર, નાયબ મામલતદાર સહીતની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ ગણતરીની કામગીરીમાં પારદર્શિતા જળવાય અને નજર રહે તે માટે સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. ઉપરાંત ગણતરીની પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે.

કર્મચારીઓ માટે કડક નિયમો

દાન ગણતરીની પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જ્યારે કર્મચારીઓને દાન ગણતરીની જગ્યાએ મોબાઈલ, પર્સ કે રોકડ રકમ સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. રકમ ગણતરી ચાલી રહી હોય તે દરમિયાન કર્મચારીઓ મોજા કે ખિસ્સા વાળાં કપડાં પહેરીને પ્રવેશી નહીં શકે. આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ પારદર્શક પ્રક્રિયા જળવાઈ રહે. તે માટે વહીવટી તંત્રે કડક અને વિશેષ પગલાં લીધા છે.