અંબાજી ભાદરવી પૂનમ મેળો 2026: ભારે વાહનો માટે ડાયવર્ઝન રૂટ જાહેર, જાણો કયા રસ્તા બંધ અને વૈકલ્પિક રૂટ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં વાહનવ્યવહારની સુગમતા માટે ભારે વાહનો માટે ચોક્કસ ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 19 Sep 2026 09:39 AM (IST)Updated: Sat, 19 Sep 2026 09:39 AM (IST)
ambaji-bhadarvi-poonam-mela-2026-heavy-vehicle-traffic-diversion-alternative-route-mehsana
Ambaji Bhadarvi Poonam Mela 2026

Ambaji Bhadarvi Poonam Mela 2026: અંબાજી ખાતે યોજાનાર દસ દિવસના ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાનમાં રાખીને પદયાત્રીઓની સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા ભારે તથા કોમર્શિયલ વાહનો માટે ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

દસ દિવસનો ભાદરવી પૂનમનો મહામેળો

અંબાજી ખાતે 20 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળામાં અંબાજી જવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ તથા સંઘો મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થતાં હોય છે. ખાસ કરીને વસઈ, વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા માર્ગો પર પદયાત્રીઓનો ભારે ધસારો રહે છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી

યાત્રીકોની સુરક્ષા અને રસ્તા પર અકસ્માત નિવારવા માટે મહેસાણા જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મયંક આર. પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(બી) અન્વયે જાહેરનામું બહાર પાડીને ભારે તથા કોમર્શિયલ વાહનો માટે ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાંથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ની બસોને મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ વાહનચાલક આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ 131 અને 135 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્ય માર્ગો પર નક્કી કરાયેલા ડાયવર્ઝન રૂટ

ગાંધીનગરથી વિસનગર: ગાંધીનગરથી વિસનગર તરફ જતા વાહનોને ડાભલા ચાર રસ્તાથી મહેસાણા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

વિજાપુરથી વિસનગર: વિજાપુરથી વિસનગર તરફ જતા વાહનોને વલાસણા-વડનગર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

ઊંઝાથી વિસનગર: ઊંઝાથી વિસનગર જતા વાહનોને ભાન્ડુ હાઇવેથી મહેસાણા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

વડનગર, ખેરાલુથી વિસનગર: આ વાહનોને વડનગરથી ઊંઝા થઈને મહેસાણા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

મહેસાણાથી વિસનગર: મહેસાણાથી વિસનગર જતા વાહનોને માનવ આશ્રમ સર્કલથી ભાન્ડુ-ઊંઝા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

વિસનગર, વડનગરથી ખેરાલુ: સિધ્ધપુર ચોકડી (ખેરાલુ) થી સિધ્ધપુર ખળી ચાર રસ્તા બાજુ વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

અંબાજી તરફથી આવતા વાહનો: અંબાજી તરફથી આવતા વાહનોને કોઠાસણા ચોકડીથી સુદાસણા, ડાવોલ, ડભાડ, ચાણસોલ, પિલુચા થઈ હિરવાણી ચોકડીથી સિધ્ધપુર ખળી ચાર રસ્તા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

ગ્રામ્ય અને હાઈવે માટેની વધારાની સૂચનાઓ

ખેરાલુના ડભોડા ચાર રસ્તાથી: ડભોડા ચાર રસ્તાથી વરેઠા, જસપુર, રીંછડા, ભાટવાસ, ભાલુસણા (બાયપાસ) અને કોઠાસણા ગામ થઈને કોઠાસણા ચાર રસ્તા તરફ વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

ઊંઝા-મહેસાણા-પાટણ તરફથી: આ માર્ગો પરથી આવતા વાહનોને શીવાલા સર્કલ થઈ પાલાવાસણા તથા ઊંઝા, ફતેપુરા સર્કલ, રાધનપુર સર્કલ, રામપુરા થઈ ગોઝારિયા-ગાંધીનગર તરફ જતા વાહનોને નંદાસણ હાઇવે તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.