Mahisagar News: મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ અભ્યાસનો બહિષ્કાર સતત 14માં દિવસે આદિવાસી સમાજ પોતાના નિર્ધાર ઉપર મક્કમ રહેતા આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે. એસએમસીના વધુ 10 સભ્યોએ પણ રાજીનામાં આપી દીધા હતા.
મહીસાગર જિલ્લામાં જાતિના દાખલો મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને કારણે આજે 14મા દિવસે પણ આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલી અભ્યાસનો બહિષ્કાર કરી આંદોલન યથાવત રાખ્યું છે. દિન પ્રતિ દિન આદિવાસી સમાજનું આ આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે. ત્યારે સતત 14મા દિવસે આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલતા આજે 128 શાળાના કુલ 12,358 બાળકોની સંખ્યામાંથી 4040 બાળકો જ શાળામાં હાજર રહ્યા હતા. જયારે 8318 બાળકો ગેરહાજર રહ્યા હતા જયારે ખાનપુર તાલુકાની 30 શાળામાં 0 હાજરી નોંધાઈ હતી.
ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજના લોકોમાં જાતિના દાખલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને જયાં સુધી બાળકોને જાતિનું પ્રમાણપત્ર ના મળે ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલી બાળકોના અભ્યાસનો બહિષ્કાર કરવાની ચીમકી અગાઉ ઉચ્ચારી છે. તેનો અમલ શરુ કરતા સતત 14માં દિવસે પણ બાળકોને શાળાએ ના મોકલી પોતાના નિર્ધાર ઉપર મક્કમ રહેતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.
મહિસાગર જિલ્લામાં છેલ્લા 14 દિવસથી વકરેલા આ વિવાદના અત્યાર સુધીમાં એસએમસીના 49 સભ્યોએ સામૂહિક રાજીનામા આપ્યા હતા તો બીજી તરફ શાળાઓમાં બાળકોની પાંખી હાજરી જેવા મળી રહી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. હાલ શાળાઓમાં બાળકોની હાજરી 40 ટકા કરતા પણ ઓછી જેવા મળી રહી છે ત્યારે બીજી તરફ તંત્ર સામે આદિવાસી સમાજ દ્વારા જાતિના દાખલને લઇને છેડવામાં આવેલ આંદોલનના કારણે બાળકો સતત છેલ્લા 14માં દિવસથી અભ્યાસથી વંચિત રહી રહ્યા છે.
