Mahisagar News: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં જાતિના દાખલા માટે આદિવાસી સમાજના લોકો અને તેમના બાળકો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. સતત તેરમા દિવસે પણ આદિવાસી સમાજના લોકોએ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલીને આંદોલનને યથાવત રાખ્યું છે.
જાતિના દાખલા માટે ઘણા દિવસોથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજના લોકો દ્વારા આંદોલન છેડાયુ છે. જાતિના દાખલા કઢાવવા માટે ધરમના ધક્કા અને પડતી મુશ્કેલી અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે હવે આદિવાસીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે અભ્યાસનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સતત તેરમા દિવસે પણ આદિવાસી સમાજના લોકોએ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલીને આંદોલન યથાવત રાખ્યું છે.
દિવસ અને દિવસે આદિવાસીઓને આંદોલનને હવે વેગ મળી રહ્યો છે. અગાઉ તંત્રને જગાડવા માટે એસએમસીના વધુ 18 સભ્યોએ પણ રાજીનામાં આપી દીધા હતા. અત્યાર સુધીમાં કુલ મળીને શાળાઓના 39 જેટલા એસએમસીના સભ્યોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે. નોંધનીય છે કે, ખાનપુર તાલુકામાં શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. જેના કારણે છેલ્લા 13 દિવસથી બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.
