Mahisagar News: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા રણજીતપુરા વિસ્તારમાં વીજ વ્યવસ્થાની જાળવણી દરમિયાન એક દુઃખદ ઘટના ઘટી છે. MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિ.) ના કર્મચારીનું વીજ લાઈનનું કામ કરતાં સમયે કરંટ લાગવાથી મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વીજ લાઈનના ફોલ્ટને ઠીક કરવા માટે વીજ કર્મચારી વી.જી. તાવિયાડ કામગીરી કરી રહ્યાં હતા. આ દરમિયાન તેઓ સ્વીચ આપતાં હતાં ત્યારે અચાનક ઉપરથી જમ્પર તૂટી પડ્યું. જેથી તેમને વીજ કરંટ લાગતા ગંભીર ઇર્જાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.
વીજ કર્મચારી વી.જી. તાવિયાડની ફરજ દરમ્યાન થયેલી દુર્ઘટનાને પગલે MGVCLના અધિકારીઓ ઘટનાની જાણ થતાં તરત હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યો છે અને કંપનીના સ્તરે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના ફરી એકવાર વીજ વિભાગના કર્મચારીઓના કામકાજ દરમ્યાન સલામતીના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વીજ કંપનીએ આવી દુર્ઘટનાઓ ટાળવા માટે યોગ્ય સુરક્ષા સાધનો અને માર્ગદર્શિકા લાગુ કરે તે જરૂરી બન્યું છે.
