Mahisagar: ભાણપુર ગામે મધરાતે તસ્કરો ત્રાટક્યા, મકાન માલિકને એક કલાક સુધી ઊંધા લટકાવી રાખી રોકડ અને દાગીનાની દિલધડક લૂંટ

રાતે સાડા 12 વાગ્યાના અરસામાં લૂંટારાઓ ઘરનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ્યા. અવાજ સાંભળીને પરિવારના સભ્યો જાગી જતાં ત્રણ સભ્યોને બંધક બનાવી દીધા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Jan 2026 11:20 PM (IST)Updated: Fri, 30 Jan 2026 11:20 PM (IST)
mahisagar-crime-news-terrifying-robbery-in-lunawada-taluka-family-held-hostage-gold-and-cash-stolen
HIGHLIGHTS
  • લૂંટારુંઓ પરિવારના સભ્યોને મોબાઈલ કબજે લીધા, મકાન માલિકે ઈનકાર કરતાં હુમલો કર્યો

Mahisagar: લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે મધરાતે બનેલી લૂંટની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. અજાણ્યા ચાર જેટલા લૂંટારુઓએ વિનુભાઈ પટેલના મકાનમાં ઘૂસી પરિવારજનોને બંધક બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં મહીસાગર જિલ્લા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો રચી શોધખોળ શરૂ કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભાણપુર ગામે રહેતા વિનુભાઈ પટેલ પરિવાર સાથે રોજની જેમ જમી પરવારીને મકાનમાં સૂઈ ગયા હતા. રાત્રે અંદાજે 12:30 વાગ્યાના અરસામાં લૂંટારુઓએ ઘરના મુખ્ય દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દરવાજો તૂટવાનો અવાજ સાંભળતા જ પરિવારના સભ્યો જાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારુઓ ઘરમાં ઘૂસી ગયા હતા.

લૂંટારુઓએ ઘરના ત્રણ સભ્યોને બંધક બનાવી દીધા હતા અને મકાન માલિક વિનુભાઈ પટેલને ઊંધા લટકાવી અન્ય સ્થળે રાખેલા કિંમતી માલ અંગે માહિતી આપવા દબાણ કર્યું હતું. જોકે વિનુભાઈએ કોઈ માહિતી ન આપતા આરોપીઓએ તેમના પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બાદમાં લૂંટારુઓએ ઘરમાં હાજર લોકોના મોબાઇલ ફોન પણ કબજે કરી લીધા હતા જેથી તેઓ કોઈને જાણ ન કરી શકે.

આ ઘટનામાં લૂંટારુઓ અંદાજે દોઢ લાખ રૂપિયાની રોકડ અને લગભગ ચાર લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં મહીસાગર જિલ્લા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લૂંટારાઓની ધરપકડ માટે જિલ્લા તેમજ બહારની ટીમોને પણ સતર્ક કરવામાં આવી છે. પોલીસ ટેકનિકલ સોર્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈ રહી છે અને હાઈવે સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ ચાલી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીઓને ઝડપથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.