ગોંડલઃ માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાનો પર્યાય એટલે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની. અનેક સેવાકીય પ્રવૃત્તિ અને છાશવારે લોકોની મદદે આવતા નીતિનભાઈએ વાવાઝોડા સમયે તેમજ કોરોના જેવી મહામારી વખતે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ આવ્યા જેની ઘણી પ્રશંસા પણ થઈ છે. નીતિન જાનીની સેવાકીય પ્રવૃતિની અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે. વડોદરા પંથકના બે બાળકોને મળવા માટે ગયા હતા અને ત્યારે ખજૂર ભાઈને પણ યાદ કર્યા હતા.
ત્યારે હવે ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની ગોંડલના એક માનસિક રીતે દિવ્યાંગ પરિવારની મદદે ગોંડલ પહોંચ્યા છે.ગોંડલના સાંઢીયા પુલ પાસે રત્નાભાઇ પરમાનો પરિવાર રહે છે, જેમની સાથે 5 પુત્રો અને ત્રણ જવાન દીકરી રહે છે, પરંતુ આ તમામ માનસિક રીતે દિવ્યાંગ છે. હાલ તેઓ જ્યાં રહે છે ત્યાં પાછળ રેલવે ટ્રેક અને આગળ હાઈવે છે. ત્યારે વૃદ્ધ મા-બાપ તેમનું સતત ધ્યાન રાખે છે અને તેઓ રેલવે ટ્રેક પર કે હાઈવે પર જતા ન રહે તે માટે આખી રાત બાંધીને રાખવામાં આવે છે. ત્યારે આ પરિવારને કાયમી આશરાની જરૂર છે. આ અંગે નીતિન જાનીને જાણ થતાં તેઓ ગોંડલ પહોંચ્યા છે અને આ પરિવારને ઘર બનાવવામાં મદદ કરી રહ્યાં છે. આ માટે તેમણે ગોંડલના લોકોને પણ મદદમાં સહભાગી બનવાની અપીલ કરી છે. નીતિન જાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે- "અમે આ 228મું ઘર બનાવી રહ્યા છીએ. ગોંડલના એક અસામાન્ય અને ગરીબ પરિવાર કે જેમના માટે ઘરની ખુબજ અગત્યતા છે. ખજૂરભાઈ દ્વારા મકાન બનાવા માટેની તમામ સામગ્રી પુરી પાડશે."
નીતિન જાનીએ વધુમાં ઉમેર્યું હતું કે- "હું ગોંડલમાં પહેલી વાર આવ્યો છું અહિંયા એક અસામાન્ય પરિવારની પરિસ્થિતિ જોઈ લોકોને પણ વિનંતી કરું છું કે આવા લોકોની મદદ આવે. અમે ત્રણ ઘર બનાવવાનાં છીએ. અમારી ગણતરી છે કે, ત્રણ રૂમ બનાવીએ, એટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરીએ છીએ અને બહારથી આપણે જાળીની વ્યવસ્થા કરીએ, જેથી કરીને એના વૃદ્ધ મા-બાપ છે એને કોઈ તકલીફ ન પડે. દસ બાર દિવસમાં ત્રણ મકાન બનાવી જશે. રાત-દિવસ કામ કરીશુ."
આવા અસામાન્ય પરિવારની મદદે ખજૂર ભાઈ દોડી આવ્યા છે, ત્યારે ગોંડલના લોકોને પણ શ્રમદાન કરવાની અપીલ કરી છે.
