જૂનાગઢ ભાજપના વોર્ડ-7ના પ્રમુખનું મેંદરડા નજીક અકસ્માતમાં મોત, માલણકાથી હોટેલનું કામ પતાવીને બાઇક પર ઘરે આવતાં હતાં

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 07 Apr 2023 09:38 AM (IST)Updated: Fri, 07 Apr 2023 09:38 AM (IST)
ward-7-president-of-junagadh-bjp-died-in-an-accident-near-mendarda

લોકલ ડેસ્કઃ જૂનાગઢ મહાનગર ભાજપના વોર્ડ-૭ ના પ્રમુખનું ગતરાતે મેંદરડા નજીક આલીધા ચોકડીથી ખડપીપળી ગામ વચ્ચે કાર સાથે ગંભીર અકસ્માત સર્જાતા કરુણ મોત થયું હતું, તેમના મોતથી સમગ્ર જિલ્લામાં ભાજપ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત સર્જીને નાસી જનાર કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર સુદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને જૂનાગઢ મહાનગર ભાજપના વોર્ડ-૭ ના પ્રમુખ તરીકેની સેવા બજાવતા પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ ગજેરા માલણકા ગામે આવેલ કસ્બાર હોટલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હોય અને નોકરી પૂરી કરીને તેઓ રાતે પોતાનું બાઈક લઈને જૂનાગઢ ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં આલીધા ચોકડીથી ખડપીપળી ગામ વચ્ચે સામેથી આવેલી ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઠોકર મારી દીધી હતી અને આ ગંભીર અકસ્માતમાં પ્રકાશભાઈ રોડ ઉપર પડી જતા તેઓને ગંભીર ઈજાઓ થયેલ હતી, ત્યારે કાર ચાલક સ્થળ પર જ કારને લોક કરીને ભાગી ગયો હતો. ઘટનાને લઈને આસપાસના લોકો એકત્ર થતા તેઓએ પ્રકાશભાઈને મેંદરડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાન થતા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સંજય મણવર, સંજય પંડ્યા, કલ્પેશ પંડશાળા સહિતના ભાજપના આગેવાનો દોડી ગયા હતા.આજે સવારે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવનો જોડાયા હતા, આ અકસ્માત અંગે પ્રકાશભાઈના ભાઈ મનોજ ગોવર્ધનભાઈ ગજેરાએનાસી જનાર કાર ચાલક સામે મેંદરડા પોલીસમાં ફરિયાદ નોધાવી છે.