વિસાવદર પંથકના ખેડૂતો માટે ખુશખબર, ઓઝત નદી અને વેકરીયામાં રૂ. 2.22 કરોડના ખર્ચે બે ચેકડેમ મંજૂર

વિસાવદર વિધાનસભા વિસ્તારના ખંભાળિયા અને વેકરીયા ગામે ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. ઓઝત નદી પર બનનાર આ ડેમથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 18 Sep 2026 10:18 PM (IST)Updated: Fri, 18 Sep 2026 10:18 PM (IST)
visavadar-gets-222-cr-check-dams-for-farmers-water-needs

Visavadar Checkdam Approval: વિસાવદર વિધાનસભા વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધાને મજબૂત કરતા અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવેલી સક્રિય રજૂઆતોને પરિણામે, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી દ્વારા વિસાવદર પંથકમાં રૂ. 2.22 કરોડના માતબર ખર્ચે બે નવા ચેકડેમ બનાવવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.

ખંભાળિયા ગામે ઓઝત નદી પર રૂ. 1.90 કરોડનો ચેકડેમ

મળેલી સત્તાવાર વિગતો અનુસાર, વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામે ઓઝત નદી ઉપર એક મોટો ચેકડેમ બનાવવા માટે રૂ. 1.90 કરોડની નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. આ ચેકડેમના નિર્માણથી ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેનાથી જમીનનું ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે.

વેકરીયા ગામે રૂ. 32 લાખના ખર્ચે બનશે ચેકડેમ

આ ઉપરાંત, વિસાવદર તાલુકાના વેકરીયા ગામે જંગલ નેરા વોકળા ઉપર ચેકડેમ બનાવવા માટે રૂ. 32 લાખની મંજૂરી પ્રાપ્ત થઈ છે. આમ, બંને ગામોમાં મળીને કુલ રૂ. 2.22 કરોડથી વધુના વિકાસકાર્યો મંજૂર થયા છે.

ધારાસભ્યનો આભાર અને ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ અંગે આનંદ વ્યક્ત કરતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ આ ચેકડેમો મંજૂર કરવા બદલ તેઓ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માને છે. તેમણે ખંભાળિયા અને વેકરીયા ગામના તમામ ખેડૂતો તથા ગ્રામજનોને આ ભેટ બદલ શુભકામનાઓ પાઠવી છે.

ભેસાણ અને અન્ય વિસ્તારો માટે પણ પ્રક્રિયા ચાલુ

ગોપાલ ઈટાલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર વિસાવદર જ નહીં પરંતુ ભેસાણ તાલુકાના વિવિધ ગામોમાં પણ ચેકડેમ તથા અન્ય વિકાસકાર્યો માટેની ફાઈલો સરકારમાં રજૂ કરવામાં આવી છે. પત્રો અને મૌખિક રજૂઆતો દ્વારા સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં જેવી નવી મંજૂરીઓ મળશે તેવી જનતાને જાણ કરવામાં આવશે.