Visavadar By-Election 2025 Voting Live: ઉમેદવારનો ભાવિ ઇવીએમમાં કેદ, વિસાવદરમાં 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા મતદાન

આ બેઠક પર ભાજપે કિરિટ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 19 Jun 2025 12:01 AM (IST)Updated: Thu, 19 Jun 2025 07:26 PM (IST)
visavadar-by-election-2025-voting-live-updates-bjp-congress-aam-aadmi-party-gopal-italia-kirit-patel-latest-news

Visavadar By-Election 2025 Voting Live Updates: વિસાવદર પેટા ચૂંટણી 2025: આજે 19 જૂન 2025ના રોજ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા મતદાન થયું છે.

ગોપાલ ઇટાલીયાની વધુમાં વધુ મતદાન કરવા અપીલ
આજે વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના લોકો માટે એક ઐતિહાસિક દિવસ છે. વિસાવદરમાં આજે પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. જેની સૌ રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે. માટે લોકોમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ છે. આજના આ ઐતિહાસિક અવસર પર ગોપાલ ઇટાલીયા દ્વારા વિસાવદર વિધાનસભાના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી.

ભૂપત ભાયાણીએ પરિવાર સાથે મતદાન કર્યું
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપે કિરીટભાઈ પટેલને ટિકિટ આપી છે. જેમની સામે કોંગ્રેસે નીતિનભાઈ રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા છે. વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.

આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી 2025 માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં સિનિયર સિટિઝનમાં મતદાન અંગે ઉમંગભર્યો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાન કરીને પોતાનું લોકશાહી પ્રત્યેનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. સ્વયંસેવકો વડીલ મતદારોને મદદરૂપ થઈ મતદાન કરવામાં સહાયરૂપ બની રહ્યા છે.

મને જીતનો વિશ્વાસ છે: કોંગ્રેસના ઉમેદવાર
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ જણાવ્યું છે કે, આજે મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે. મારા સિવાય બીજો કોઈ ઉમેદવાર આ મતવિસ્તારનો નથી. મને જીતવાનો વિશ્વાસ છે.

આ બેઠક પર સૌ કોઇની નજર
આજે 19 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જ્યારે 23 જૂન 2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 87- વિસાવદર મતદાર વિભાગમાં પુરુષ મતદારની સંખ્યા 135597 અને સ્ત્રી મતદારની સંખ્યા 125451 અને અન્ય મતદારની સંખ્યા 4 મળી કુલમતદાર 261052 નોંધાયા છે. આ બેઠક પર ભાજપે કિરિટ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર સૌ કોઇની નજર છે.

ટ્રેનિંગમાં 353 પોલિંગ ઓફિસર્સે ભાગ લીધો હતો
87-વિસાવદર બેઠકની પેટાચૂંટણી-2025 માટે 19 જૂન 2025ના રોજ યોજાનાર મતદાન માટે 294 મતદાન મથકો પર તૈનાત થનારા પોલિંગ અને પ્રિસાઇડિંગ અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાં તાલીમ કાર્યક્રમ દરમિયાન 706 પોલિંગ અધિકારી- કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. EVM ના ઉપયોગ અંગેની હેન્ડ્સ ઓન ટ્રેનિંગના ભાગ રૂપે, દરેક પ્રિસાઇડિંગ ઓફિસર/પોલીંગ ઓફિસર દ્વારા અલગ અલગ મશીનો પર EVM મતદાન વિશે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં 353 પ્રિસાઇડિંગ ઓફિસર અને 353 પોલિંગ ઓફિસર્સે ભાગ લીધો હતો.

ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી
2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના હર્ષદ રિબડીયા ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યાં હતા. જ્યારે તેમની સામે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીને ટિકિટ આપવામાં આવી હતી. ભૂપત ભાયાણીનો આ બેઠક પરથી વિજય થયો હતો અને તેઓ ધારાસભ્ય બન્યા હતા. જોકે બે વર્ષ પહેલા એટલે કે 2023માં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે આ બેઠક પર ભૂપત ભાયાણીના વિજય સામે હર્ષદ રિબડીયા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હોવાથી આ બેઠક ખાલી પડી હોવા છતાં પણ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ન હતી. જોકે થોડા દિવસો પહેલા હર્ષદ રિબડીયા દ્વારા પોતાની અરજી પરત ખેંચી લેવામાં આવ્યા બાદ હવે આ બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરાઇ છે. ભાજપમાં હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણી વચ્ચે વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડવાને લઇને રેસ જોવા મળી રહી છે.