Visavadar By Election 2025 Update: વિસાવદર વિધાનસભાની ખાલી બેઠક પર ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા તેમના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન વિસાવદરમાં ભાજપના કાર્યકર્તાનું સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
ભૂપત ભાયાણીએ કહ્યું કે, તમે જે ખોટા આક્ષેપ કરો છો અમારા પર કે, મોહમ્મદ ગઝનીની ઓલાદ, ગુંડાઓ, લુખ્ખાઓ બોલે છે. તો એની વાતનો જવાબ તમામ કાર્યકર્તાઓએ 19મી જૂને મતદાનના રૂપમાં ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. વિરોધી પાર્ટી દ્વારા એવી પણ વાત કરવામાં આવી છે કે, ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈપણ ઉમેદવાર આવે અને ચૂંટાય પછી ભ્રષ્ટાચાર કરશે, ભય ફેલાવશે અને ક્યાં મંગળ પર લઈ જશે કે, ચંદ્ર પર લઈ જશે. આવી વાત તેમણે મીડિયા સમક્ષ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, હું એમને કહેવા માગુ છું કે, અહીંના આગેવાનો અને ઉમેદવાર અમારા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ હોય કે, કનુભાઈ ભાલાળા હોય અમારે અમારી જનતાને ચંદ્ર કે મંગળ ઉપર નથી લઈ જવાની પણ અહીં ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે. વિરોધી પાર્ટીને હું કહેવા માગુ છું કે, તમે ચંદ્ર અને મંગળ પર લઈ જવાની વાત કરો છો. આ ધરતી ઉપરથી 500-500 દીકરીઓની વિદાય થઈ છે. એને મંગળ અને ચંદ્ર જ કહેવાય. અમારી દીકરીઓને અહીંથી સાસરે મોકલીએ છીએ.
