હવામાનના પલટા અને ગરમીથી ગીરની કેસર કેરીના પાક પર ગ્રહણ: ઉત્પાદનમાં 25% ઘટાડાની ભીતિ, ભાવ આસમાને પહોંચશે

હવામાનના આ વિપરીત પલટા અને બિનસાંપ્રત ગરમીના કારણે ગીર સોમનાથ અને સાસણ ગીર વિસ્તારના કેસર કેરીના પાક પર માઠી અસર પડી રહી છે. તાપમાન ઊંચું રહેતાં આંબા પર જે ફ્લાવરિંગ આવવું જોઈએ તે હજુ સુધી શરૂ થઈ શક્યું નથી, જેના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 20 થી 25 ટકા જેટલો ઓછો ઉતારો આવવાની શક્યતા સેવાઈ રહી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 11 Nov 2026 08:11 AM (IST)Updated: Wed, 11 Nov 2026 08:11 AM (IST)
sasan-gir-kesar-mango-crop-impact-climate-change-price-hike
કેસર કેરી

Kesar Mango Price: સામાન્ય રીતે નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ જતો હોય છે, જે આંબા પર મોર બેસવા માટે ઉત્તમ વાતાવરણ ગણાય છે. પરંતુ આ વર્ષે દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં રાત્રિના તાપમાનમાં ધાર્યો ઘટાડો જોવા મળ્યો નથી. હવામાનના આ વિપરીત પલટા અને બિનસાંપ્રત ગરમીના કારણે ગીર સોમનાથ અને સાસણ ગીર વિસ્તારના કેસર કેરીના પાક પર માઠી અસર પડી રહી છે. તાપમાન ઊંચું રહેતાં આંબા પર જે ફ્લાવરિંગ આવવું જોઈએ તે હજુ સુધી શરૂ થઈ શક્યું નથી, જેના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 20 થી 25 ટકા જેટલો ઓછો ઉતારો આવવાની શક્યતા સેવાઈ રહી છે.

વરસાદની ખેંચાણ અને ઊંચા તાપમાનથી ખેડૂતો ચિંતાતુર

સ્થાનિક ખેડૂતે પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે આ સમયગાળા દરમિયાન આંબામાં આગોતરો મોર આવી જતો હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની અનિયમિતતા અને વરસાદના ખેંચાણને કારણે માત્ર ગણ્યા-ગાંઠ્યા આંબામાં જ મોર દેખાઈ રહ્યો છે. રાત્રિના સમયે યોગ્ય ઠંડી ન પડવાના કારણે આંબામાંથી મોર બહાર નીકળવામાં અવરોધ ઊભો થયો છે.

વધુમાં, વરસાદ ઓછો થવાના કારણે કૂવા અને બોરના ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયા છે, જેના કારણે આંબાને પૂરતા પ્રમાણમાં પિયત આપી શકાતું નથી. પાણીના અભાવે કેરીનો વિકાસ રુંધાવાની અને કદ નાનું રહેવાની ભીતિ છે. જો આગામી દિવસોમાં મોર આવે તો પણ કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ પાકને નુકસાન પહોંચાડી શકે છે. ઉત્પાદન ઘટવાના કારણે આગામી સિઝનમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો ભાવ ₹2,500 થી ₹3,000 સુધી બોલાય તેવી પૂરતી શક્યતા છે.

ક્લાઇમેટ ચેન્જના કારણે આંબાની ફિઝિયોલોજી ડિસ્ટર્બ: નિષ્ણાત

આ સમગ્ર મામલે જૂનાગઢ બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો. ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર-પાંચ વર્ષથી ક્લાઇમેટ ચેન્જની સીધી અસર આંબાના પાક પર જોવા મળી રહી છે. તાપમાન અને વરસાદની પેટર્ન બદલાતા આંબાની મૂળભૂત ફિઝિયોલોજી ડિસ્ટર્બ થઈ ગઈ છે. સામાન્ય સંજોગોમાં 15 નવેમ્બર પછી રાત્રિનું તાપમાન 15 ડિગ્રી અને દિવસનું તાપમાન 20 થી 25 ડિગ્રી રહે તે ફ્લાવરિંગ માટે આદર્શ ગણાય છે.

તેમણે ઉમેર્યું કે આ વર્ષે ઓક્ટોબરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચ્યું હતું અને નવેમ્બરમાં પણ તાપમાન 30 થી 35 ડિગ્રી જેટલું ઊંચું છે. જોકે, આંબાની તંદુરસ્તી સારી હોવાથી જો 15 નવેમ્બર પછી અને ડિસેમ્બર દરમિયાન તાપમાનમાં યોગ્ય ઘટાડો નોંધાય અને સારી ઠંડી પડે તો ફ્લાવરિંગ બેસી શકે છે.

નવા વિસ્તારોમાં આંબાના બગીચાઓ તૈયાર થઈ રહ્યા છે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ખૂબ જ જૂના થઈ ગયેલા આંબાનું કટીંગ કરીને સૌરાષ્ટ્રના નવા વિસ્તારો જેવા કે ભેંસાણ, બરડા વિસ્તાર (રાણાવાવ), સાવરકુંડલા અને જેસરમાં નવા બગીચાઓ ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યા છે. છતાં પણ, વર્તમાન મોસમમાં પ્રતિકૂળ વાતાવરણ અને પાણીની અછતને લીધે આગામી સિઝનમાં ગ્રાહકોએ ગીરની કેસર કેરીનો સ્વાદ માણવા માટે મોંઘા ભાવ ચૂકવવા પડશે તે લગભગ નક્કી દેખાઈ રહ્યું છે.