Pradhan Mantri Jan Arogya Yojana: વ્યવસાયે પેઇન્ટિંગ કામ કરતા જૂનાગઢના પ્રદીપભાઈ વાઘેલાના જીવનમાં વર્ષ- ૨૦૨૨માં બ્લડ કેન્સર થયાનું નિદાન થાય છે, પરંતુ મક્કમ મનોબળ અને હકારાત્મક અભિગમ ધરાવતા પ્રદીપભાઈ જીવનના રંગોને જરા પણ ફીકો પડવા દેતા નથી.
આ સાથે જ આ મુશ્કેલ સ્થિતિમાં તેમની પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન ભારત કાર્ડ હતું એટલે ચિંતા હળવી બની. કેન્સર જેવા રોગમાં નિરાશાઓ ઘેરી વળતી હોય છે, પણ પ્રદીપભાઈ લડાયક મિજાજી. તેઓ માને છે કે, માણસ મનથી હાર મને તો શારીરિક હાર માનતા જાજી વાર નથી લાગતી, એટલે જીવનના પડકારોને હકારાત્મક અભિગમ સાથે સ્વીકારવા જોઈએ.
57 વર્ષીય પ્રદીપભાઈ પ્રોટોકોલ મુજબ જૂનાગઢની ભાગોળે આવેલી સમન્વય હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. તો કહે છે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડોક્ટરની સલાહ અનુસાર સારવાર મેળવવાથી સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. જીવન સામાન્ય બનવાની સાથે ફરી મારું વ્યવસાયિક પેઇન્ટિંગનું કામ પણ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન કાર્ડથી ગરીબ મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની ચિંતા ટળી જાય છે અને ખાનગી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળી રહે છે.

સમન્વય હોસ્પિટલમાં કીમોથેરાપી વિભાગમાં કામ કરતા ડો. પ્રિયદર્શન રતનપરા જણાવે છે કે, પ્રદીપભાઈની છેલ્લા ત્રણેક વર્ષથી કીમો થેરાપી દ્વારા સારવાર કરવામાં આવી રહી છે, મલ્ટી માઇલોમાં બ્લડ કેન્સરના રોગમાં સારી સારવારના પગલે તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે, સાથે જ આજે તેઓ વ્યવસાયિક અને પોતાના રોજિંદા કામ પણ કરી રહ્યા છે.
આશરે રૂ. 4 લાખથી વધુની સારવાર તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- આયુષ્માન કાર્ડ હેઠળ મળી છે. તેમણે એમ પણ કહ્યું કે, કેન્સર જેવા ગંભીર રોગમાં દર્દીઓ જો હકારાત્મક અભિગમ રાખવાથી સારવારમાં પણ મદદ મળી રહે છે.
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9.65 લાખથી વધુ આયુષ્માન કાર્ડ નીકળ્યા
આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બિમારીઓનો, હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા- જવાના ભાડા પેટે રૂ. 300/-ની સહાય પણ આપવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ગુજરાતના વરિષ્ટ નાગરિકો માટે વડાપ્રધાન દ્વારા તા.29-10-2024 ના રોજથી આયુષ્યમાન વય વંદના યોજના મુકવામાં આવેલ છે.
આ યોજનામાં 70 વર્ષ કે તેથી વધુ ઉમરના ગુજરાતના વરિષ્ઠ નાગરિકો કે જેની પાસે પહેલાથી PMJAY કાર્ડ નથી તેવા તમામ ગુજરાતના વરિષ્ઠ નાગરિકોની સામાજિક કે આર્થિક સ્થિતિને ધ્યાને લીધા સિવાય આધાર કાર્ડમાં દર્શાવેલ ઉમરને આધારે વરિષ્ટ નાગરિકો આયુષ્યમાન વય વંદના કાર્ડ મેળવી શકે છે.
જૂનાગઢ જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કુલ 8 ખાનગી હોસ્પિટલ વિવિધ સ્પેશિયાલિટી સાથે યોજનામાં જોડાયેલી છે. તેમજ જૂનાગઢ જીલ્લામાં લોકો તેમની નજીકના કોઈ પણ ઇ-ગ્રામ સેન્ટર, સરકારી દવાખાના, કે યોજના સાથે જોડાયેલી તમામ ખાનગી હોસ્પિટલમાં જઈને જરૂરી ડૉક્યુમેન્ટ રજૂ કરીને સરળતાથી PMJAY કાર્ડ મેળવી શકે છે.
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી વિવિધ કેમ્પ કરીને, હાઉસ-ટુ-હાઉસ મુલાકાત કરીને કુલ 9,65,052 કાર્ડ એનરોલમેંટ થયેલ છે અને જૂનાગઢ જિલ્લાના નાગરિકો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
