Maha Shivratri Melo, જૂનાગઢઃ
મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં નાગા સાધુ ઉપરાંત વિવિધ પંથ-સંપ્રદાયના સાધુ ભગવાન ભોળાનાથની આરાધના કરવા પહોંચી જાય છે. ત્યારે સાધુ-સંતોના દર્શન અને તેમના સંગને ઘણાં ભાવિકો પોતાનો સૌભાગ્ય માને છે. આ સાધુઓની મસ્તફકીરી અને તેમનો મિજાજ પણ દર્શનીય હોય છે.
મહાશિવરાત્રીના મેળામાં ભારતભરના સાધુ-સંતો ઉમટે છે. સાથે જ મોટી સંખ્યામાં ભાવિકો સાધુ-મહાત્માઓના દર્શન માટે ઉમટી પડે છે. આ મેળામાં લોકો ભજન-ભોજનનો આનંદ માણવાની સાથે અવનીવી રાઈડ્સની પણ મજા માણે છે. આમ, ભાવિકો-શ્રદ્ધાળુઓને આત્માના કલ્યાણની સાથે સાથે મેળાનો આનંદ પણ લૂંટતા હોય છે. મહાશિવરાત્રીના મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ત્યારે આ ભાવિકોની સુરક્ષા-સલામતી જળવાઈ રહે તે માટે જુનાગઢ પોલીસ સજજ છે. કોરોના કાળ પછી વર્ષ 2023નો શિવરાત્રીનો મેળો એવો મેળો છે કે જ્યાં પ્રથમ દિવસથી જ ભાવીકોનો ઘસારો વધ્યો છે.
મહાશિવરાત્રીનું મહાપુણ્ય એટલે સદાવ્રતથી સેવા
મહાશિવરાત્રીના મેળામાં સોરઠ સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર થાય છે. ખાસ કરીને સેવા અને સદાવ્રતનું આગવું મહત્વ રહેલું છે. અહીંના સાધુ-સંતોએ પણ દુઃખીયા-ગરીબોની સેવા-ભોજન માટે આહેલક જગાવી હતી. તેને આજે જુદા-જુદા ઉતારા મંડળો આગળ ધપાવી રહ્યા છે.
મહાશિવરાત્રીના મેળામાં આશરે ૧૧૫ વર્ષથી ધોરાજીના સંત રત્ના બાપાની હયાતીથી આજે તેમની ચોથી પેઢીએ પ્રફુલદાસ બાપુ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. તેઓ કહે છે કે, આ શિવરાત્રીના મેળાના દીપમાં સેવાના માધ્યમથી દિવેલ પૂરી રહ્યા છીએ. આજે અહીંયા 300થી વધુ સ્વયંસેવકો અવિરત સેવા આપી રહ્યા છે. સર્વેના સાથ સહકારથી સેવા કાર્ય આગળ વધી રહ્યું છે. અહીંયા દરરોજ ચણાના લોટના લાસા લાડવાની સાથે જુદા-જુદા દિવસે ચૂરમાના લાડુ, મોહનથાળ, જાંબુ, માંડવી પાક, ગાજરનો હલવો જેવી મીઠાઈ પીરસવામાં આવશે. ઉપરાંત આ અન્નક્ષેત્ર ભાવિકોને પ્રસાદ લેવા માટે ૨૪ કલાક ખુલ્લું રહે છે.
તેઓ વધુમાં કહે છે કે, મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર શરૂ કરવા માટે એકાદ મહિના અગાઉ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આ વખતે 20 ડબા તેલ, 10 ડબા શુદ્ધ ઘી, 50 કટા ચણાનો લોટ, 40 કટા ઘઉંનો લોટ, 30 કટા બાજરાનો લોટ, 20 કટા ખીચડી અને 20 કટા ભાત વગેરે લાવી પહેલેથી રાખી દેવામાં આવી આવે છે. ઉપરાંત શાકભાજી સહિતની સામગ્રી લાવવામાં આવે છે.
ટ્રાફિક ન સર્જાય અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે જૂનાગઢ પોલીસ સજ્જ
મેળામાં ઉમટતા ભાવિકોની સુરક્ષા સલામતી માટે ખાસ કરીને પોઈન્ટ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યાં છે. તેના આધારે પોલીસ બંદોબસ્ત અને જુદી-જુદી ટીમોને ગોઠવી દેવામાં આવીછે .અમાસાજિક તત્વોને ડામવા, ચોરી બનાવો અટકાવવા અને આવારા તત્વો સામે કાર્યવાહી કરવા રોમીયો સ્કોવ્ડ કાર્યરત છે. આમ, સંપૂર્ણ મેળો શાંતિપૂર્ણ મહોલામાં યોજાઈ તે રીતે જૂનાગઢ પોલીસ કામગીરી કરી રહી છે તેમ DySP હિતેશ ધાધલ્યાએ જણાવ્યું હતું.
મેળા દરમિયાન ટ્રાફિક ન સર્જાય તે માટે બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત બિનજરૂરી ભીડ એકઠી ન થાય એટલે કે, ક્રાઉડ મેનેજમેન્ટ માટે પુરતો બંદબસ્ત તૈનાત છે.IGP મયંકસિંહ ચાવડા, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી હિતેશ ધાધલ્યા, એ.એસ. પટણી, ડી.વી. કોડિયાતર, સૂરજીત મહેડૂ કે.ડી. કાપડીયા ઝોન વાઈઝ સતત સુપરવિઝન કરી રહ્યા છે. ઉપરાંત પી.આઈ.એ.એચ. ગોહિલ, જે. એચ. સિંધવ અને ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.સી. ચુડાસમા સહિતના પોલીસ અધિકારીઓ સતત મેળાની પ્રવૃતિઓ પર નજર રાખી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળામાં પાંચ ડી.વાય.એસ.પી, 25 પી.આઈ, 110 પીએસઆઈ, 1325 પોલીસકર્મી, 728 હોમગાર્ડસ અને 2 એસ.આર.પી.ની કંપની ફરજ બજાવી રહી છે.
વાહનો માટે પાર્કિંગ સ્થળો જાહેર કરાયા
ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી શરૂ થયેલા શિવરાત્રી મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અને અકસ્માત નિવારણ ટાળવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ દ્વારા વાહન પાર્કિંગ માટે સ્થળો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં જાહેર પાર્કિંગ સ્થળોમાં તમામ પ્રકારના વાહનો માટે નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યામાં, ટુ વ્હીલર માટે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, ભવનાથ. પ્રાઇવેટ વાહન પાર્કિંગ સ્થળોમાં તમામ પ્રકારના વાહનો માટે ભાગચંદભાઈ સુખવાણી, (કાળુભાઈની વાડી) તરીકે ઓળખાતી જમીન મજેવડી ભવનાથ રોડ, શશીકાંતભાઈ દવેની વાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર, જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા મજેવડી રોડ, (માલિક ડોલરભાઈ કોટેચા) એડવોકેટ દિપેન્દ્રભાઈની વાડી ગિરનાર દરવાજા, અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે વાહન પાર્કીગ કરી શકાશે.
જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિત સંદર્ભે કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તા. 14 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજસ્ટ્રેટ એલ.બી.બાંભણિયાએ એક આદેશ કરી સભા સરઘસબંધિ ફરમાવી છે.આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્નનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
