El Nino Impact: ગુજરાતમાં ચોમાસાની ઋતુ અડધા તબક્કે પહોંચી ગઈ હોવા છતાં આકાશમાં ઘેરાતા વાદળો વચ્ચે પણ વરસાદ ન થતાં ખેડૂતો નિરાશ થઈ ગયા છે. ગુજરાતના લોકો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. આકાશમાં વાદળો ઘેરાય છે. પરંતુ વરસાદી ઝાપટાં ન પડતાં ખેડૂતો અને નાગરિકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. ત્યારે સૌરાષ્ટ્ર અન્ જૂનાગઢ જિલ્લામાં અલ નીનોની ઘેરી અસર જોવા મળી છે.
સોરઠ પંથકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ
આ પણ વાંચો
જૂનાગઢ અને સોરાષ્ટ્રના વિસ્તારોમાં જુલાઈ માસના પ્રારંભમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 40 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. પરંતુ અચાનક વરસાદી ખેંચાણ ઊભું થતાં સમગ્ર સોરઠ પંથકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાની ઋતુને હલે એકાદ મહિનો જ બાકી રહ્યો છે. છતાં પણ વરસાદના કોઈ મજબૂત એંધાણ વર્તાતા નથી. પવિત્ર શ્રાવણ માસમાં સામાન્ય રીતે ધીમી ધારે વરસતો વરસાદ ખેતી અને જળસંચય માટે વરદાન સાબિત થતો હોય છે. પરંતુ આ વર્ષની સ્થિતિ થોડી વિપરીત છે. વરસાદના વિરામને લીધે ખેતરોમાં ઊભેલા પાક સૂકાવા લાગ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદી આંકડા
જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ વિષમ નોંધાઈ છે. જિલ્લામાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો, માંગરોળ તાલુકો 1073 મીમી વરસાદ સાથે જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે. મધ્યમ વરસાદની વાત કરીએ તો, કેશોદમાં 871 મીમી (87.27%), માળિયા-હાટીનામાં 889 મીમી (78.33%), ભેંસાણમાં 636 મીમી (59.77%) અને ગિરનાર પર્વત પર 645 મીમી નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ, જૂનાગઢ શહેરમાં 357 મીમી (33.12 %), વિસાવદરમાં 436 મીમી (34.20%), વંથલીમાં 347 મીમી (31.92%), માણાવદરમાં 442 મીમી (45.95%) વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના જળાશયોમાં કેટલું પાણી?
જળાશયો અને તળાવોમાં પૂરતું પાણી ન આવવાને લીધે પીવાના પાણીની કટોકટી સર્જાઈ શકે છે, જિલ્લાના કુલ 14 ડેમોમાં હાલ પાણીનો જથ્થો 19.14 ટકા થઈ ગયો છે. જેમા સૌથી વધારે પાણી બાંટવા-ખારો ડેમમાં છે. જળ સંચયની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ 9માં ક્રમે ફેંકાયું છે. સુકાઈ રહેલા પાક અને ખાલી થઈ રહેલા ડેમોને કારણે આવનારા દિવસોમાં ખેતી અને પીવાના પાણી બંને માટે ભારે કટોકટી સર્જાવાની શક્યતા છે.
| જિલ્લો | પાણીનો જથ્થો (%) |
| ભાવનગર | 97.29% |
| સુરેન્દ્રનગર | 73.95% |
| અમરેલી | 71.44% |
| મોરબી | 65.19% |
| બોટાદ | 49.89% |
| ગીર સોમનાથ | 42.49% |
| રાજકોટ | 42.22% |
| પોરબંદર | 21.45% |
| જૂનાગઢ | 19.14% |
| જામનગર | 6.85% |
| દેવભૂમિ દ્વારકા | 0.47% |
