Junagadh Railway Phatak Closed: જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં મુસાફરી કરતા વાહનચાલકો માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મહત્વપૂર્ણ જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જૂનાગઢ–શાપુર રેલખંડ પર આવેલા રેલવે ફાટક નંબર 82X (ચોબારી મધુરમ બાયપાસ) ખાતે રસ્તાની સપાટીના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે ચોક્કસ સમયગાળા માટે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત રહેશે.
ક્યારે અને કેટલા વાગ્યા સુધી બંધ રહેશે ફાટક?
રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ, ફાટક નંબર 82X (કિલોમીટર 106/4-5) પર સમારકામની કામગીરી 21 ઓક્ટોબર, 2026ની રાત્રે 22:00 વાગ્યાથી (રાત્રે 10 વાગ્યે) શરૂ થઈને 22 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 06:00 વાગ્યા સુધી ચાલશે. આ 8 કલાક દરમિયાન તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે ફાટક બંધ રાખવામાં આવશે.
રેલવેએ જાહેર કર્યા આ વૈકલ્પિક રસ્તાઓ
વાહનચાલકોને કોઈ અસુવિધા ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે-
મોટા વાહનો અને સામાન્ય ટ્રાફિક માટે: વાહનચાલકોએ રેલવે ફાટક નંબર 83 (ચોબારી ગામ ફાટક)નો ઉપયોગ કરવાનો રહેશે.
નાના વાહનો માટે: સ્થાનિક નાગરિકો તેમજ દ્વિચક્રી અને નાના વાહનો "ઝાંઝેડા પુલ" પરથી પસાર થઈ શકશે.
સુરક્ષા અને સહયોગ માટે રેલવે પ્રશાસનની અપીલ
માર્ગ સુરક્ષા અને રેલવે ટ્રેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ મેન્ટેનન્સ કાર્ય અત્યંત જરૂરી છે. રેલવે પ્રશાસને તમામ નાગરિકો અને વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને નિર્ધારિત વૈકલ્પિક રસ્તાઓનો જ ઉપયોગ કરીને કામગીરીમાં સહયોગ આપવા વિનંતી કરી છે.
