Junagadh: ભારતી આશ્રમમાં એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. 80 કલાકના મેગા સર્ચ ઓપરેશન બાદ ગત 5 નવેમ્બરના રોજ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવેલા મહામંડલેશ્વર લઘુમહંત મહાદેવભારતી બાપુને આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરિહરાનંદે આ જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, લઘુમહંત મહાદેવ ભારતીને લઘુમહંત પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમજ મહાદેવ ભારતીને હવે જૂનાગઢ ભારતી આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી.
જંગલમાંથી મળ્યા બાદ મહાદેવભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આશ્રમમાંથી હટાવવાનો નિર્ણય જાહેર થયા બાદ આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. જોકે, આશ્રમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હવે તેઓ આશ્રમમાં આવશે નહીં.
મહાદેવભારતી બાપુ ગુમ થયા બાદ તેમણે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે ગિરનારના સાનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પોલીસ અને વન વિભાગ દ્વારા બાપુને શોધવા માટે એક મોટું સર્ચ અભિયાન શરૂ કરાયું હતું. પોલીસની તમામ ટીમોને જંગલના જુદા જુદા વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી હતી અને 80 કલાકની સઘન શોધખોળ બાદ તેમનો પતો લાગ્યો હતો.
