જેલમુક્ત જયરાજ આહીર ફરીથી વિવાદમાંઃ શિવરાત્રી મેળામાં લક્ઝુરિયસ બસ લઈને પહોંચ્યો, વીડિયો વાયરલ થતાં કલેક્ટરના તપાસના આદેશ

ગિરનાર તળેટીમાં દરેક મંત્રીઓ અને IAS પણ ચાલીને જતા હોય છે. હર્ષ સંઘવી સાડા 3 કિમી ચાલીને પહોંચીને શિવભક્તોની સુવિધા ખાતર મેળામાં VIP કલ્ચર દૂર કરવાની જાહેરાત કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Feb 2026 07:18 PM (IST)Updated: Fri, 13 Feb 2026 07:18 PM (IST)
junagadh-news-mayabhai-ahir-son-jayraj-sparks-fresh-controversy-with-luxury-bus-entry-at-girnar-shivratri-fair
HIGHLIGHTS
  • માયાભાઈના પુત્ર જયરાજ આહીર માટે તંત્રએ બેરિકેડ્સ પણ ખોલી નાંખ્યા

Junagadh: બગદાણાના કોળી યુવક પર હિચકારો હુમલો કરવા મામલે જેલની હવા ખાઈને જામીન પર મુક્ત થયેલ જયરાજ આહીર ફરીથી વિવાદમાં સપડાયો છે. જેમાં શિવરાત્રીના મહામેળામાં જ્યાં ખુદ મંત્રીઓ અને IAS અધિકારીઓ પર ચાલીને જાય છે, ત્યાં લોકકલાકાર માયા આહીરનો પુત્ર લક્ઝુરિયસ બસ લઈને તળેટીમાં પહોંચ્યો છે.

હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાંથી VIP કલ્ચર દૂર કરવાની જાહેરાત કરી
મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ સામાન્ય નાગરિકની માફક 3.5 કિલોમીટર મેળાના રૂટ પર પગપાળા ચાલીને ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા. આ તકે તેમણે શિવરાત્રીનો મહામેળો શિવ ભક્તો માટે સુવિધામય બને તે માટે મેળામાં VIP કલ્ચર દૂર કરવાની જાહેરાત કરી હતી.

જે બાદ ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મીની કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે 'VVIP કલ્ચર'ને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતા. જો કે આ દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે.

હકીકતમાં લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના ધજાગરા ઉડાડ્યા હોય તેવો વીડિયો સામે આવતા સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે.

લાખો શ્રદ્ધાળુઓ જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને ભોળાનાથના દર્શને જઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે ખાનગી લક્ઝુરિયસ બસમાં સવાર થઈને છેક ભવનાથ તળેટી સુધી પહોંચ્યો હતો.

નવાઈની વાત એ છે કે, જેલમાંથી છૂટેલા જયરાજ માટે તંત્રએ તમામ બેરિકેડ્સ ખોલી નાખ્યા હતા, જ્યારે સામાન્ય જનતા અને ઉચ્ચ અધિકારીઓ માટે પણ અહીં મનાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચાલીને મેળામાં પહોંચ્યા હતા જ્યાં માયાભાઈ ના પુત્ર જયરાજ આહીર બસમાં બેસીને પહોંચ્યો જ હતો.

આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે. કોની પરવાનગીથી આ બસ અંદર પ્રવેશી અને કયા અધિકારીએ તેને જવા દીધી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.