Girnar Lili Parikrama 2024: પરિક્રમાના રૂટ પર રહેશે અજવાળું, કઠિન ચઢાણ ગણાતી નળપાણીની ઘોડી ખાતે પ્રથમવાર લાઈટની વ્યવસ્થા કરાઈ

9 જગ્યા પર ડીઝલ જનરેટર સેટ પ્રસ્થાપિત કરીને રાત્રિના સમયે રૂટ પર લાઈટ લગાવી અજવાળું કરવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 12 Nov 2024 08:39 PM (IST)Updated: Tue, 12 Nov 2024 08:39 PM (IST)
junagadh-news-light-arrangement-on-girnar-lili-parikrama-route
HIGHLIGHTS
  • PGVCLના કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે

Junagadh: જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પરિક્રમાર્થીઓ માટે આ વર્ષે લાઈટની સુવિધામાં વધારો કરાયો છે. ખાસ કરીને પરિક્રમાના કઠિન ચઢાણ ગણાતી નળપાણીની ઘોડી ખાતે પ્રથમવાર લાઈટની વ્યવસ્થા કરાઈ છે.

ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર અજવાળું કરવા માટે વ્યવસ્થા માટે તંત્રએ ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે. નળ પાણીની ઘોડી ઉપરાંત જટાશંકર- ગિરનાર જૂની સીડી અને ઇટવા ઘોડી ચડતા ઉતરતા વિસ્તારમાં પ્રથમ વાર ડીઝલ જનરેટર દ્વારા લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, જંગલ વિસ્તારમાં પણ યાત્રિકોને લાઈટ ઉપલબ્ધ થાય તે માટે આયોજનપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે.

પરિક્રમા રૂટ પર રાત્રિના સમયે અવિરત વીજ પૂરવઠો જળવાઈ રહે તે માટે PGVCLના કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં પણ સતત વીજ પૂરવઠો જાળવી રાખવા માટે એન્જિનિયર સાથે ટેકનિકલ કર્મચારીઓની ટીમ પણ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહી છે.

ગિરનાર પરિક્રમા રૂટ પર જંગલ વિસ્તારમાં પરિક્રમા ગેટથી પ્રથમ ઘોડી, ડંકી-2, મોળા પાણીના પુલ, ઝીણાબાવાની મઢી, માળવેલા તરફ, નળ પાણીના ટાવર, બોળદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા અને જટાશંકર-ગિરનાર જુની સીડી આમ કુલ-9 જગ્યા પર ડીઝલ જનરેટર સેટ પ્રસ્થાપિત કરીને રાત્રિના સમયે રૂટ પર લાઈટ લગાવી અજવાળું કરવામાં આવ્યું છે.