Junagadh: ગુજરાતી લોક સાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે એકબીજાને મીઠાઈ ખવડાવીને સમગ્ર વિવાદનો અંત લાવ્યો છે.
ફેબ્રુઆરી મહિનાથી ચાલતી હતી દુશ્મનાવટ
ભગવતસિંહ ચૌહાણે ચાંગોદર પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમણે 20 ફેબ્રુઆરીના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે દેવાયત ખવડના લોક ડાયરાનું આયોજન કર્યું હતુ. આ માટે તેમના ભત્રીજા ધ્રુવરાજસિંહે દેવાયત ખવડને 8 લાખ રૂપિયા પણ ચૂકવી દીધા હતા.
જો કે દેવાયત ખવડે પૈસા લીધા પછી પણ પ્રોગ્રામમાં હાજર ના રહીને છેતરપિંડી આચરી હતી. આટલું જ નહીં, દેવાયત ખવડે ફરિયાદીને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે બાદ દેવાયત ખવડ અને ચૌહાણ પરિવાર વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો.
જે બાદ ગત 12 ઓગસ્ટના રોજ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર તાલાલાના ચિત્રોડ ગામ નજીક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દેવાયત ખવડ અને તેના 15 જેટલા સાગરિતોએ ધ્રુવરાજસિંહની કારને ટક્કર મારીને એકસ્માત સર્જવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ધોકા વડે કારમાં તોડફોડ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કેસના કરવાની ધમકી આપીને ધ્રુવરાજસિંહના સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને જૂનાગઢ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ આ મામલે તાલાલા પોલીસ મથકમાં પણ દેવાયત ખવડ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓના શરતોને આધિન જામીન મંજૂર કર્યા હતા. જો કે ચાંગોદર પોલીસ મથકમાં નોંધાયેલા કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડને 30 દિવસમાં પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
5 મહિના સુધી ચાલેલી કાનૂની લડતને અંતે બન્ને પક્ષોએ સમજદારી દાખવી
આ સમગ્ર મામલે છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલી કાનૂની લડત અને જેલવાસ બાદ આજે બન્ને પક્ષોએ સમજદારી દાખવી હતી. દેવાયત ખવડે ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સામે ચાલીને સબંધો સુધાર્યા હતા. બન્ને પક્ષો વચ્ચેના સમાધાનના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગણેશ ગોંડલ અને જૂનાગઢ જિલ્લાના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર વચ્ચે ચાલતા વિવાદનું પણ સમાધાન થયું હતુ. જેમાં ગણેશ ગોંડલ પર રાજુ સોલંકીના પુત્રની હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં ગણેશ ગોંડલ જેલની હવા પણ ખાઈ ચૂક્યો હતો. બીજી તરફ રાજુ સોલંકીને પણ ગુજસીટોકના ગુના હેઠળ સુરતની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. આખરે બન્ને પક્ષોએ હસતા મોંઢે સમાધાન કરી લીધુ હતુ.

