Junagadh News: સૌરાષ્ટ્રના મોરબી જીલ્લાના વાંકાનેરમાં ડુપ્લિકેટ ટોલનાકા બાદ હવે જૂનાગઢ જીલ્લામાંથી નકલી MLAનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જીલ્લામાં એક આધેડ પોતાની કારમાં MLAનું બોર્ડ મારીને રોફ જમાવતો અને પોતે રાજ્ય મંત્રીનો અંગત વ્યક્તિ હોવાનો મામલો સામે આવતા પોલીસે આધેડની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ આરોપી પોતે પોતાની કારમાં MLAનું બોર્ડ મારી અને રાજ્ય મંત્રી પરષોત્તમ સોલંકીના અંગત તરીકેની ઓળખ આપીને રોફ જમાવતો હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસે 53 વર્ષીય આધેડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મેંદરડાના 53 વર્ષીય આધેડ રાકેશ જાદવ નામનો વ્યક્તિ પોતાની કાર પર ગુજરાત MAL લખેલું બોર્ડ અને રાજ્ય કક્ષાના મંત્રીના PA હોવાના વીઝીટીંગ કાર્ડ સાથે મળી આવતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. હાલ પોલીસે આરોપીની અટકાયત કરીને તેને ભૂતકાળમાં આ MALબોર્ડનો દુરુપયોગ કર્યો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપીએ ભૂતકાળમાં ધોરાજી અને ગોંડલમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની વિગતો પણ સામે આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
હાલ સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા આરોપીએ પરિક્રમા દરમિયાન રાજ્ય કક્ષાના અંગત મદદનીશ તરીકેનું વિઝિટિંગ કાર્ડ રજૂ કર્યું હતું. આ બાબતે મૌખિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપીએ વિઝિટિંગ કાર્ડનો દૂરુપયોગ કર્યો છે. આ મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
