Junagadh: માણાવદરમાં ભાજપના MLAના આક્ષેપ બાદ પોલીસે જુગારધામ પર કરી રેડ, 9 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા

તેમણે દાવો કર્યો હતો કે પોલીસની મીઠી નજર હેઠળ માણાવદર અને બાંટવા પંથકમાં જુગારની ક્લબો ચાલી રહી છે, જ્યાંથી દરરોજ 70થી 80 હજાર રૂપિયાનું કલેક્શન થાય છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 11 Aug 2025 12:05 PM (IST)Updated: Mon, 11 Aug 2025 12:05 PM (IST)
junagadh-news-after-the-allegations-of-bjp-mla-in-manavadar-police-raided-a-gambling-den-caught-9-people-red-handed
HIGHLIGHTS
  • માણાવદર પોલીસે સરદારગઢ વિસ્તારમાં આવેલા દિલાવર ઉર્ફે કારો નામના એક શખ્સના ઘરે દરોડો પાડ્યો.
  • પોલીસે ઘરમાં ચાલી રહેલા ઘોડીપાસાના જુગારનો પર્દાફાશ કરીને કુલ નવ શખ્સોને ઝડપી પાડ્યા.

Junagadh News: માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શનિવારે બાંટવા પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હપ્તાખોરીના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પોલીસની મીઠી નજર હેઠળ માણાવદર અને બાંટવા પંથકમાં જુગારની ક્લબો ચાલી રહી છે, જ્યાંથી દરરોજ 70થી 80 હજાર રૂપિયાનું કલેક્શન થાય છે. જોકે, આ આક્ષેપોને ડીવાયએસપી કોડીયાતરે પાયાવિહોણા ગણાવ્યા હતા. પરંતુ આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સફાળી જાગી અને તપાસ શરૂ કરી હતી.

ધારાસભ્યના આક્ષેપોના તરત જ બાદ, માણાવદર પોલીસે સરદારગઢ વિસ્તારમાં આવેલા દિલાવર ઉર્ફે કારો નામના એક શખ્સના ઘરે દરોડો પાડ્યો. પોલીસે ઘરમાં ચાલી રહેલા ઘોડીપાસાના જુગારનો પર્દાફાશ કરીને કુલ નવ શખ્સોને ઝડપી પાડ્યા. ઝડપાયેલા શખ્સોમાં દિલાવર ઉર્ફે કારો અશલમ કુરેશી, ઈબાહિમ ઉર્ફે સનેડો નાસીર હિંગોરજા, સાજીદ અલ્લેખા કાથરોટીયા સહિત જેતપુર અને માણાવદરના અન્ય શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 37,100 રૂપિયા રોકડા અને 18,000 રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન મળીને કુલ 55,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

જોકે, આ કાર્યવાહી બાદ બાંટવા કે માણાવદર પંથકમાં કોઈ મોટી સફળતા પોલીસને મળી નથી. ગઈકાલે જુનાગઢ જિલ્લાની એલસીબી ટીમો આ વિસ્તારમાં હોવા છતાં કોઈ જુગારની ક્લબ કે દારૂના કેસ સામે આવ્યા નથી. આ ઘટના પરથી જણાઈ આવે છે કે ધારાસભ્યના આક્ષેપો બાદ સ્થાનિક પોલીસે એક નાની સફળતા મેળવી છે.