Junagadh Car Fire Accident: જૂનાગઢ જિલ્લાના કેશોદ-બાલાગામ રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા કારમાં સવાર ત્રણ લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને તેઓ જીવતા ભડથું થઈ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જોકે, "રામ રાખે તેને કોણ ચાખે" તે કહેવતને સાર્થક કરતા અકસ્માત સમયે સળગતી કારમાંથી બહાર ફંગોળાઈ ગયેલી એક યુવતીનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના બળી જવાથી મોત થયા છે.
કેવી રીતે સર્જાઈ કરુણ ઘટના
પ્રાથમિક વિગત અનુસાર, કેશોદ-બાલારામ રોડ પરથી પસાર થઈ રહેલી એક કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો તીવ્ર અને ભયાનક હતો કે, કારમાં જોતજોતામાં ભડભડ આગ લાગી ગઈ હતી અને આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માત થતાં જ કારમાં સવાર એક યુવતી દરવાજો ખૂલી જવાથી કે કાચ તૂટવાથી બહાર ફંગોળાઈ ગઈ હતી. જેના કારણે તે આગની ઝપેટમાં આવતા બચી ગઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં આ યુવતી તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી તરફ કારની અંદર રહેલા ત્રણ લોકો આગની જ્વાળાઓમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડ અને પોલીસની ત્વરિત કામગીરી
આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો અને ઇમરજન્સી સેવા 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
કેશોદ પીઆઈ એન.બી ચૌધરીના જણાવ્યા પ્રમાણે ગંભીર ઘટનામાં જીવતા બળી ગયેલા મૃતકોમાં બે યુવકો અને એક યુવતી હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણેયની ઉમતર 25થી 27 વર્ષની વચ્ચે છે. મૃતકોના નામની વાત કરીએ તો, ડેનિસ દિવરાણીયા, નંદિની પોપટ અને ઝલક મશરુ છે. જ્યારે બચી ગયેલી યુવતીનું નામ ક્રિષ્ના ચુડાસમા છે. જે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર હોવાનું સામે આવ્યું છે.
