Girnar Lili Parikrama 2024: જૂનાગઢમાં પરિક્રમાર્થીઓનો જમાવડો, એક દિવસ પહેલા શરૂ કરાઈ ગરવા ગિરનારની લીલી પરિક્રમા

ભાવિકોનો ધસારો જોઇને નિર્ધારિત સમય પહેલા જ લીલી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઇટવા ચેકપોસ્ટ પાસેનો ગેટ ખુલ્લો મુકીને પરિક્રમાર્થીઓને પ્રવેશ આપ્યો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 11 Nov 2024 01:20 PM (IST)Updated: Mon, 11 Nov 2024 01:20 PM (IST)
junagadh-girnar-lili-parikrama-2024-green-tour-begins-a-day-early-to-accommodate-pilgrim-flow
HIGHLIGHTS
  • તળેટી વિસ્તારમાં 50થી વધુ રસોડા ધમધમતા થયા
  • પોલીસ દ્વારા ભવનાથ ખાતે એક ખાસ કમાન્ડ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો

Girnar Parikrama 2024: કારતક સુદ અગિયારસના દિવસે ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ કરવામાં આવે છે. આ વખતે 12 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન લીલી પરિક્રમા શરૂ થનારી છે. જોકે જૂનાગઢમાં બ્હોળી સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવી પહોંચ્યા છે. જેના પગલે કોઇ અગવડતા ન સર્જાય એ માટે તંત્ર દ્વારા એક દિવસ પહેલા એટલે કે આજથી લીલી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે.

નિર્ધારિત સમય પહેલા પરિક્રમાર્થીઓને પ્રવેશ અપાયો
છેલ્લા બે ત્રણ વર્ષથી પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પરિક્રમાર્થીઓની ભીડને લઇને તંત્ર દ્વારા પરિક્રમા રૂટનો દ્વાર એક દિવસ પહેલા ખુલ્લો મુકી દેવામાં આવે છે. જેથી જંગલ વિસ્તારમાં કોઇ અગવડતાં ઉભી ન થાય. ભાવિકોનો ધસારો જોઇને નિર્ધારિત સમય પહેલા જ લીલી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઇટવા ચેકપોસ્ટ પાસેનો ગેટ ખુલ્લો મુકીને પરિક્રમાર્થીઓને પ્રવેશ આપ્યો છે.

પરિક્રમામાં 4 ડ્રોન કેમેરા અને 421 CCTV કેમેરાથી બાજ નજરે રખાશે
એસપી હર્ષદ મહેતાએ કહ્યું કે, પરિક્રમામાં ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 4 ડ્રોન કેમેરા અને 421 જેટલા સીસીટીવી કેમેરાથી 24 કલાક બાજ નજર રાખવામાં આવશે, સાથે ભવનાથ ખાતે એક ખાસ કમાન્ડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ડીજીપી, આઈજીપી રેંજમાંથી કુલ 2427 પોલીસનો 8 ઝોનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

naidunia_image

9 ડીવાયએસપી, 27 પી.આઈ., 92 પીએસઆઈ, 914 પોલીસ, 500 હોમગાર્ડ, 885 જીઆરડી જવાન, એસઆરપીએફ. એસડીઆરએફની એક-એક કંપની, 13 સર્વેલન્સ ટીમ, 8 સી-ટીમ, 210 બોડીવોર્ન કેમેરા, 195 વોકીટોકી. 28 મેગા ફોન, 40 વાયરલેસ સેટ, 47 રાવટીઓ ઉભી કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા
પરિક્રમા શરુ થવાના બે દિવસ અગાઉથી મોટી સંખ્યામાં ભાવિકો તળેટીમાં ઉમટી પડ્યા હતા, જેમના મોટા ભાગના ભાવિકોએ તળેટીમાં જ્યાં જગ્યા મળી ત્યાં રાતવાસો કરીને પડાવ નાખી દીધા છે. લીલી પરિક્રમા માટે તળેટી વિસ્તારમાં 50થી વધુ અન્નક્ષેત્ર ધમધમતા શરૂ થયા છે. મોટી સંખ્યામાં ભાવિકોના આગમનની અપેક્ષાના પગલે તળેટી વિસ્તારમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો છે.

પરિક્રમા રૂટ પર લાઇટિંગની વ્યવસ્થા
પરિક્રમાના રૂટ પર બોરદેવી ત્રણ રસ્તા, નળપાણીની ઘોડી, ઈટવા ગેઈટ, મોળા પાણી વિસ્તાર, જીણાબાવાની મઢી, માળવેલા વિસ્તારમાં 10 કેવીથી લઈ 25 કેવી સુધીના તથા પોર્ટેબલ મળી કુલ 8 જનરેટર મુકવામાં આવ્યા છે. આ જનરેટરમાંથી અંદાજીત 270 જેટલી લાઈટોનો પ્રકાશ થઇ શકે છે. 30-40 મીટરના અંતર પર એક-એક લાઈટ ગોઠવવામાં આવે છે. જનરેટર જે સ્થળ પર રાખવામાં આવ્યું હોય તેની બંને બાજુ 500 મીટરથી લઇ 800-900 મીટર સુધી લાઈટીંગની વ્યવસ્થા થઇ શકે છે.

naidunia_image

આ વ્યવસ્થામાં 36 કિમીના રૂટમાંથી માત્ર અંદાજિત 11થી 12 કિલોમીટરનો રૂટ લાઈટીંગથી કવર થઇ શકે છે. આ ઉપરાંતનો 23-24 કિમીનો રૂટ રાત્રીના સમયે ઘોર અંધારામાં પસાર કરવો પડે છે. સિંહ-દીપડા સહિતના જંગલી પ્રાણીઓના વિસ્તાર એવા જંગલના 23 કિમીના રૂટમાંથી 23 કિમી રૂટ રાત્રીના સમયે યાત્રિકો એકબીજાના સહારે અને મોબાઈલ અને અન્ય ટોર્ચના સહારે જંગલમાં રૂટ પસાર કરતાં હોય છે.

યાત્રાળુઓ માટે પાર્કિંગ સ્થળો
તમામ પ્રકારના વાહન માટે પ્રાઇવેટ વાહન પાર્કિંગના સ્થળોમાં મજેવડી રોડ જુના દારૂખાનાની ખુલી જગ્યા, શ્રી શશીકાંતભાઈ દવેની વાડી, (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર) શ્રી ભાગચંદ ભાઈ ઉર્ફે કાળુભાઈ મહાસાગરવાળાની વાડી તરીકે ઓળખાતી જમીન- મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતો રસ્તો અને પાંજરાપોળ ગૌશાળા ફાયર બ્રિગેડની દાતાર રોડ ખાતે વાહન પાર્ક કરી શકાશે.