Girnar Lili Parikrama 2025 Postponed: જૂનાગઢમાં યોજાનારી ગિરનારની લીલી પરિક્રમાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદના કારણે આ વર્ષની પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવનાથના સાનિધ્યમાં 2 નવેમ્બરથી શરૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમાને આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદે પરિક્રમાના આયોજન પર મોટું સંકટ ઊભું કર્યું હતું, જેના પગલે વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં આ મુશ્કેલ નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરનાર પરિક્રમાનો જે માર્ગ છે, તે ભારે વરસાદને કારણે અત્યંત ખરાબ થઈ ગયો છે. જેના લીધે હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ મામલે પ્રશાસન અને સંતોની એક બેઠક મળી હતી, જેમાં સર્વસંમતિથી પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
પરિક્રમા મોકૂફ રાખવાનું મુખ્ય કારણ એ છે કે વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ગંભીર રીતે ધોવાઈ ગયો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર અતિશય કીચડ જામી ગયો છે, જેના કારણે યાત્રાળુઓ માટે આ રૂટ અત્યંત જોખમી બની ગયો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો 'ભજન, ભક્તિ અને ભોજન'ના સંગમ સમા આ મેળામાં જોડાતા હોય છે, પરંતુ આ વર્ષે રૂટની સ્થિતિ યાત્રાને અશક્ય બનાવે છે.
જોકે, પરિક્રમા સંપૂર્ણપણે રદ કરવામાં આવી નથી. સંતોની ઉપસ્થિતિમાં માત્ર પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ લોકોને પરિક્રમા કરવા માટે આવવું નહીં. તેમજ તંત્રને સહકાર આપવા માટે કલેક્ટર દ્વારા આપી કરવામાં આવી હતી અને આજે સંતો મહંતો તેમાં ધારાસભ્યો સાથે બેઠક બાદ કલેક્ટર દ્વારા વિધિવત રીતે પરિક્રમા મોકૂફ રાખવા અંગેની જાહેરાત કરી હતી.
વન વિભાગના અધિકારીઓના મતે, વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે પરિક્રમાનો માર્ગ ધોવાઈ ગયો છે અને અંદરના વિસ્તારોમાં ભારે વાહનોનું અવરજવર શક્ય નથી. જો અન્નક્ષેત્ર ચલાવનારાઓ વ્યવસ્થા માટે ભારે વાહનો લઈ જાય તો તે કાદવમાં ફસાઈ જવાની અને તેમને બહાર કાઢવાની મુશ્કેલી ઊભી થવાની સંભાવના છે. આથી, તંત્ર દ્વારા અન્નક્ષેત્ર સંચાલકોને પણ અંદર જવા માટે લીલી ઝંડી આપવામાં આવી નહોતી.
