Girnar Lili Parikrama 2025: જૂનાગઢમાં યોજાનારા સુપ્રસિદ્ધ ગિરનારની પરિક્રમાના મેળામાં યાત્રીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે "મેળા સ્પેશિયલ" ટ્રેન ચલાવવામાં આવશે, જેથી લાખો યાત્રીઓને અવરજવર માટે વિશેષ સુવિધા મળી રહે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વિશેષ ટ્રેન 1 નવેમ્બર, 2025થી 10 નવેમ્બર, 2025 સુધી (4 નવેમ્બર અને 7 નવેમ્બરના દિવસો સિવાય) નિયમિતપણે દરરોજ દોડાવવામાં આવશે. આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનારક્ષિત (Unreserved) રહેશે, જેનો લાભ સામાન્ય યાત્રીઓ સરળતાથી લઈ શકશે.
ટ્રેનનું સમયપત્રક
| ટ્રેન નંબર | રૂટ | પ્રસ્થાન સમય | આગમન સમય |
| 09221 | રાજકોટથી જૂનાગઢ | રાત્રે 00:05 કલાકે | સવારે 02:40 કલાકે |
| 09222 | જૂનાગઢથી રાજકોટ | સવારે 03:35 કલાકે | સવારે 07:05 કલાકે |
