ભવનાથ મહાશિવરાત્રી મેળો 2026: ભજન, ભક્તિ અને સાહિત્યની જામશે રમઝટ; મૈથિલી ઠાકુરથી લઈ ગીતાબેન રબારી સુધીના કલાકારો ગજવશે તળેટી

મહાશિવરાત્રીના આ મેળામાં ભવનાથ મહાદેવના દર્શન, મૃગી કુંડમાં શાહી સ્નાન અને રાત્રિના સમયે યોજાતા આ સાંસ્કૃતિક ડાયરાઓ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Feb 2026 02:28 PM (IST)Updated: Mon, 09 Feb 2026 02:28 PM (IST)
junagadh-bhavnath-mahashivratri-fair-2026-list-of-cultural-programs

Bhavnath Fair 2026: શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથ ખાતે આગામી 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓના મનોરંજન અને ભક્તિભાવ માટે દરરોજ સાંજે અને રાત્રે ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જેમાં લોકસાહિત્ય, ભજન, હાસ્ય દરબાર અને સુગમ સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે.

ચાર દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંપૂર્ણ લિસ્ટ:

11 ફેબ્રુઆરી:

  • સાંજે: લોકગાયક દિવ્યેશ જેઠવા અને સાગર કાચા ભજનની રમઝટ બોલાવશે, જ્યારે હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા શ્રોતાઓને હાસ્યથી તરબોળ કરશે.
  • રાત્રે: જાણીતી શાસ્ત્રીય અને લોક ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની પ્રસ્તુતિ આપશે.

12 ફેબ્રુઆરી:

  • સાંજે: નાણાવટી બ્રધર્સ, વિપુલભાઈ ત્રિવેદી, દર્પિત દવે અને લોકગાયિકા તરલાબેન સોમાણી દ્વારા સંગીત સંધ્યા યોજાશે.
  • રાત્રે: બોલિવૂડના દિગ્ગજ પાર્શ્વ ગાયક સુરેશ વડકર ભક્તિ સંગીતના સૂર રેલાવશે.

13 ફેબ્રુઆરી:

  • સાંજે: લોકસાહિત્યના માંધાતાઓ પરેશભાઈ સૂરું, જીતુભાઈ દાદ અને રાજદાન ગઢવી સાહિત્યની લહાણી કરશે. સાથે નીરુબેન દવે લોકગીતો રજૂ કરશે.
  • રાત્રે: યુવા હૃદય સમ્રાટ ગાયક પાર્થ ઓઝા પોતાની કલા રજૂ કરશે.

14 ફેબ્રુઆરી:

  • સાંજે: શિવરાજ વાળા, અમુદાન ગઢવી અને દીપકભાઈ જોશી લોક ડાયરો ગજવશે. મયુરભાઈ દવે પણ પોતાની પ્રસ્તુતિ આપશે.
  • રાત્રે: લોકપ્રિય ગાયિકા 'કચ્છની કોયલ' ગીતાબેન રબારીના સુરે મેળાનું સમાપન થશે.

કાર્યક્રમનું સ્થળ અને વ્યવસ્થા

આ તમામ કાર્યક્રમો ભવનાથ તળેટીમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે રાખવામાં આવેલા વિશાળ પટાંગણમાં યોજાશે. વહીવટી તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા, લાઈટિંગ અને સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દેશ-વિદેશના કલાકારોની હાજરીને જોતા આ વખતે મેળામાં પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડવાની શક્યતા છે.