Junagadh: જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને વાહન પાર્કિંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત સંકલનથી 25 જેટલા અધ્યતન પાર્કિંગ સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે.
આ સુવ્યવસ્થિત આયોજનના કારણે મેળા દરમિયાન ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે દિશામાં સફળ પ્રયાસ સાબિત થયો છે. વાહન પાર્કિંગની સુચારુ વ્યવસ્થાને ભાવિકોએ આવકાર આપી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી છે.
મેળા દરમિયાન દરરોજ સરેરાશ 3 થી 4 લાખ લોકો ઉમટી પડતા હોય છે. આ વિશાળ જનમેદનીને ધ્યાને રાખીને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને માર્ગ-મકાન વિભાગના સહયોગથી પાર્કિંગના સ્થળો તૈયાર કરાયા છે. આ આયોજનને કારણે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.ખાસ કરીને જયા લાખોની જનમેદની એકત્ર થતી હોય છે ત્યા વાહન પાર્કીંગ એ સૈાથી મહત્વનુ બની રહેતુ હોય છે.
આ પાર્કિંગ વ્યવસ્થા માટે વાહનનો પ્રકાર, ભાવિકોના ઘસારાની ક્ષમતા સહિતની બાબતે ધ્યાનમાં લઈને પાર્કિંગ સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા. નાના પાર્કિંગ વિસ્તારમાં પણ હોમગાર્ડ અને GRDના જવાનોની સતત મહેનતથી ક્ષમતા કરતા વધારે વાહનો પણ પાર્ક કરવામાં આવી રહ્યા હતા. જેથી ભાવિકોને નજીકમાં નજીક પાર્કિંગની વ્યવસ્થા મળી શકે.
આ વખતે મહાશિવરાત્રી મેળાનું ભવ્ય અને દિવ્ય આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. જેના અનુસંધાને વધારે શ્રદ્ધાળુઓને ધ્યાનમાં પાર્કિંગ સ્થળોની સંખ્યા પણ વધારવામાં આવી છે. ખાસ કરીને વહીવટી તંત્રને મદદરૂપ થવા ખાનગી પાર્કિંગને પણ સંચાલકોએ શ્રદ્ધાળુ માટે નિશુલ્ક આપ્યા છે.
છેલ્લા એક મહિનાથી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહાનગરપાલિકાના સંકલનથી સુરક્ષિત સગવડતા ભર્યા પાર્કિંગ વ્યવસ્થા ની તૈયારી કરવામાં આવી હતી.પાર્કિંગમાં બેસવાની, પાણીની સીસીટીવી કેમેરા, ટોયલેટ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ભાવિકોએ વાહન પાર્કિંગના થયેલા આયોજનને પણ આવકાર્યું હતું. અને વહીવટી તંત્રની વ્યવસ્થાને બીરદાવી હતી.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 25 પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મહાનગરપાલિકા જૂનાગઢ અને માર્ગ મકાન વિભાગની કામગીરીથી તૈયાર થયેલા પાર્કિંગના તમામ સ્થળો લાઇટ સિનિટેશન, સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, રાઉન્ડ ક્લોક પોલીસ બંદોબસ્ત હોય છે. આ માટે જિલ્લા કક્ષાએ પાર્કિંગ સમિતિની રચના પણ કરવામાં આવી છે અને પાર્કિંગની તમામ વ્યવસ્થાનું મોનિટરિંગ તેમના હસ્તક કરવામાં આવી રહ્યું છે.
