Indian Navy Warship INS Mangrol: ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા અને મત્સ્યઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત એવા દરિયાકાંઠાના નાનકડા બંદર અને શહેર માંગરોળનું નામ હવે દેશની દરિયાઈ સીમાની સુરક્ષા કરતા ભારતીય નૌકાદળના આધુનિક બેડા સાથે હંમેશ માટે જોડાઈ ગયું છે.
કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા બનાવવામાં આવેલું નવું એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે, જેને ગુજરાતના પ્રખ્યાત બંદર માંગરોળના નામ પરથી 'INS માંગરોળ' (INS Mangrol) નામ આપવામાં આવ્યું છે.
21 ઓગસ્ટના રોજ નૌકાદળને સોંપાયું જહાજ
સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જાહેર કરેલી માહિતી અનુસાર, ત્રીજું એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ 'માંગરોળ' 21 ઓગસ્ટ 2026 ના રોજ ભારતીય નૌકાદળને સુપ્રત કરવામાં આવ્યું છે. આ જહાજનું નામ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા દરિયાકાંઠાના અને મરીન ફિશિંગ ઉદ્યોગના મુખ્ય આશ્રયસ્થાન અને બંદર ગણાતા માંગરોળ શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ નવું જહાજ અગાઉ વર્ષ 2004 સુધી નૌકાદળમાં અવિરત સેવા આપનાર ભૂતપૂર્વ માઈન સ્વીપર યુદ્ધ જહાજ INS માંગરોળના ભવ્ય વારસાને પોતાની અંદર સમેટી લે છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ નામકરણથી નૌકાદળના પ્રખ્યાત અને ગૌરવશાળી યુદ્ધ જહાજોના નામોને જીવંત રાખવાની ઉત્કૃષ્ટ નૌસેનાની પરંપરા અવિરતપણે જળવાઈ રહેશે.
80 ટકાથી વધુ સ્વદેશી ટેકનોલોજી અને શસ્ત્રો
આ યુદ્ધ જહાજની વિશેષતાઓ અને ટેકનોલોજી દેશની સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. સંરક્ષણ મંત્રાલયના અહેવાલ મુજબ, આ જહાજમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી (ઈન્ડીજીનિયસ કન્ટેન્ટ) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 'INS માંગરોળ' અદ્યતન યુદ્ધ ક્ષમતાઓ ધરાવે છે.
અદ્યતન યુદ્ધ શસ્ત્રોમાં દરિયાકાંઠાના પાણીમાં અંડરવોટર સર્વેલન્સ (પાણીની અંદર દેખરેખ) અને એન્ટી-સબમરીન વોરફેર (ASW) કામગીરી માટે સક્ષમ છે. તે લો-ઈન્ટેન્સિટી મેરિટાઈમ ઓપરેશન્સ (LIMO - ઓછી તીવ્રતાના દરિયાઈ અભિયાન) તેમજ માઈન વોરફેર (દરિયાઈ સુરંગ યુદ્ધ) માટે સંપૂર્ણ સજ્જ છે.
આ ઉપરાંત આ જહાજ પાણીના પ્રબળ વેગ (વોટર જેટ) ની મદદથી આગળ ધપે છે. શત્રુ પક્ષ સામે સામનો કરવા માટે તે અત્યંત આધુનિક ટોર્પિડો, એન્ટી-સબમરીન રોકેટ, તેમજ અત્યાધુનિક રડાર અને સોનાર પ્રણાલીઓથી સજ્જ છે.
