Girnar Lili Parikrama 2026: હિન્દુ સનાતન ધર્મમાં ગિરનાર પર્વત માત્ર એક પહાડ નથી. પરંતુ એક જીવંત અને પવિત્ર તીર્થ છે. ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલતી આ લીલી પરિક્રમાં આજથી નહીં પરંતુ આદિ અનાદિકાળથી ચાલતી આવે છે. 36 કિમીની ગિરનારની પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે તેઓ કષ્ટ સહન કરીને આ યાત્રા કરે છે. સાધુ સંતોની પવિત્ર ભૂમિ ગણાતી આ ધરતી પર ઘણા સિદ્ધ સાધુ-સંતો થઈ ગયા છે. એવી માન્યતા છે કે, આજે પણ સિદ્ધ યોગીઓ ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં ગુપ્ત સાધના કરે છે.
લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે?
આ પણ વાંચો
ધાર્મિક માન્યતા પ્રમાણે, ગિરનાર પર્વત પર 33 કોટી દેવી દેવતાઓ, સિદ્ધ પુરુષો, નાથ સંપ્રદાયના નવનાથ અને 84 સિદ્ધો ગુપ્ત રુપે નિવાસ કરે છે. ચોમાસા દરમિયાન ગિરનાર પર્વત લીલીછમ વનરાજીથી ખીલી ઉઠતું હોય છે. પણ આ વખતની સ્થિતિ કંઈક અલગ છે. માન્યતા પ્રમાણે, દેવ દિવાળી એટલે કે, કારતક સુદ પૂનમના સમયે તમામ 33 કોટી દેવતાઓ ગિરનારની પરિક્રમા કરે છે. તેથી પરિક્રમા કરવાથી તમામ દૈવીય શક્તિઓના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ માન્યતા મુજબ, ગિરનારની 36 કિમીની કઠિન ધાર્મિક પરિક્રમા કરવાથી મનુષ્યના સઘળા પાપોનો નાશ થઈ જાય છે અને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.
ગિરનારની લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ
ગિરનાર પર્વતને પ્રાચીન કાળમાં રેવતક, રૈવતાંચલ અને ઉજ્જયંત તરીકેના નામો મળે છે. ગિરનારની તળેટીમાં સ્વયં ભવનાથ મહાદેવ વિરાજમાન છે. આ પર્વતની તળેટીમાં ગૌરખનાથ, કાલિકા અને દત્તાત્રેય ભગવાનના પવિત્ર સ્થાનો છે. લીલી પરિક્રમા દરમિયાન મા્ર્ગ પર ચાર પડાવો આવે છે. આ પદયાત્રા માત્ર ધાર્મિક પદયાત્રા જ નહીં પરંતુ પ્રકૃતિ અને ધર્મનો અનોખો સંગમ છે. જંગલની વચ્ચેથી શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરીને ધન્યતાની લાગણી અનુભવે છે. લીલી પરિક્રમાના ચાર પડાવો ચાર યુગનું પ્રતિનિધિત્વ કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી માન્યતા
લીલી પરિક્રમાને લઈને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી માન્યતા છે પ્રમાણે, દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણે બહેન સુભદ્રાજીનાં લગ્ન માટે પ્રથમ પરિક્રમા કરી હતી અને અગીયારસથી પૂનમ સુધી ગિરનાર જંગલમાં વાસ કર્યો હતો. આથી ભગવાનના સાનિધ્ય માટે 33 કોટિ દેવતાઓએ પણ ગિરનાર જંગલમાં વસવાટ કર્યો હતો. ત્યારથી ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય હોવાની માન્યતા છે.
આ લીલી પરિક્રમા દરમિયાન શ્રધ્ધાળુઓએ કઠિન રસ્તાઓ, કપરા ચઢાણ ચડવાના હોય છે. જોકે, આ પરંપરા સદીઓથી જળવાઈ રહી છે. ગિરનારની આ ભવ્ય યાત્રા ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ માનવીય અને સામાજિક એકતાનું અનેરું ઉદાહરણ છે. પદયાત્રા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ થાક્યા પાક્યા હોય છે. તેમની સેવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે. તેમજ પદયાત્રીઓ માટે પીવાના પાણીની પણ વિશેષ વ્યવસ્થા કરે છે.
પરિક્રમાના 4 મુખ્ય પડાવો
- ઝીણા બાવાની મઢી: ભવનાથના દુધેશ્વર મંદિરથી યાત્રા શરૂ થઈ ઇંટવા ની ઘોડી પસાર કરી પ્રથમ રાત્રિ રોકાણ અહીં થાય છે.
- માળવેલા: ઘનઘોર જંગલ વચ્ચે આવેલા આ સ્થાને ભક્તિમય માહોલમાં ભજનોની રમઝટ બોલે છે.
- બોરદેવી: આ પવિત્ર ધામ બોરડીના વૃક્ષ અને માં જગદંબા-શ્રીકૃષ્ણની માન્યતા સાથે જોડાયેલું છે.
- ભવનાથ: યાત્રાળુઓ બોરદેવીથી પરત ભવનાથ પહોંચી, ગિરનારના પગથિયાં પર શ્રીફળ વધેરી અને દામોદર કુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે.
